ફ્રાન્સના નિષ્ણાતો વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ્સ લેબમાં ઓટોમેટેડ માઈક્રો બાયોલોજી ટેસ્ટિંગની તાલીમ આપશે

વડોદરા : વડાપ્રધાન ના મિશન મોડ હેઠળ દેશભરમાં સર્વ પ્રથમવાર વડોદરાની ખોરાક અને ઔષધ પ્રયોગશાળામાં ફ્રાન્સની બનાવટનું ઓટોમેટેડ માઈક્રો બાયોલોજીકલ ટેસ્ટિંગ ઈકવિપમેન્ટ સ્થાપિત કરવામાં આવ્યું છે જેનો આશય સરકારી ખોરાક અને ઔષધ પરીક્ષણ પ્રયોગશાળાઓને અદ્યતન સ્વચલિત અને ખુબજ સચોટ પરીક્ષણ સુવિધાઓ થી સુસજ્જ કરવાનો છે. FSSAI અને ફ્રાન્સ પ્રશાસન વચ્ચે થયેલા MOU ના અમલ રૂપે દેશની સરકારી ખોરાક અને ઔષધ પ્રયોગશાળાઓ પૈકી સર્વ પ્રથમવાર ગુજરાતમાં વડોદરાની સરકારી પ્રયોગશાળામાં આ અતિ આધુનિક ઉપકરણ રૂ.૬.૫ કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવ્યું છે એ ઉલ્લેખનીય છે. હાલમાં પ્રાયોગિક ધોરણે એનું સંચાલન થઈ રહ્યું છે.

આ ઉપકરણ થી ખાદ્ય પદાર્થો અને દવાઓ (ઇન્જેકટેબલ), બંનેનું પરીક્ષણ થઈ શકે છે. વડાપ્રધાનના મિશન મોડ હેઠળની આ નવી પહેલ અન્વયે દેશની અને ગુજરાતની પ્રયોગશાળાઓના ખોરાક અને ઔષધ વિશ્વલેશકો-analysts ને એડવાન્સ્ડ માઇક્રોબાયો લોજીકલ ટેકનીક્સની તાલીમ આપવા માટે રાજ્યના ખોરાક અને ઔષધ કમિશ્નર હેમંત કોશિયાના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ ૫ દિવસની કાર્યશાળાનું વડોદરા પ્રયોગશાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેનો આવતીકાલ સોમવાર તા.૨૬મી નવેમ્બરના રોજ સવારના ૯.૧૫ કલાકે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, નિઝામપુરા, વડોદરા ખાતે પ્રારંભ થશે.

વડોદરા ખાતેના ખોરાક અને ઔષધ પ્રયોગશાળાના સંયુક્ત કમિશ્નર(ચકાસણી) વૈશાલી પટેલના જણાવ્યા પ્રમાણે આ ઉપકરણ ફ્રાન્સની બાયો મિરેકસ કંપની દ્વારા બનાવવામાં આવે છે. એ કંપની તથા ફ્રાન્સના ખેતીવાડી ખાતાના નિષ્ણાતો વડોદરા ખાતે રોકાણ કરીને વર્કશોપમાં આ તાલીમ આપશે. આ તાલીમી વર્કશોપમાં ગુજરાતની વડોદરા, અમદાવાદ, ભુજ અને રાજકોટની પ્રયોગશાળાઓ સહિત દેશની આવી સરકારી પ્રયોગશાળાઓના ૨૧ જેટલા ફૂડ એનાલીસ્ટ ભાગ લેશે.

error: Content is protected !!