મોરબી, અરવલ્લી અને દેવભૂમિ દ્વારકામાં 17મી સપ્ટેમ્બરથી ફુલટાઇમ સ્વતંત્ર ફેમીલી કોર્ટ કાર્યરત થશે

ગાંધીનગર, દેશગુજરાત: રાજયમાં દરેક જિલ્લામાં એક અલગ ફેમિલી કોર્ટ હોય અને મહિલાઓના તેમના કેસોમાં ન્યાય મેળવવામાં અગ્રિમતા મળે તેવા આશયથી રાજયમાં દરેક જિલ્લામાં ફેમિલી કોર્ટ ઊભી કરવાના આયોજનના ભાગરૂપે રાજયના નવરચિત મોરબી, અરવલ્લી અને દેવભૂમિ દ્વારકામાં તા.૧૭/૯/૨૦૧૭ – ‘વિશ્વકર્મા દિવસ’ થી ફુલટાઇમ સ્વતંત્ર ફેમીલી કોર્ટ કાર્યરત થશે.

કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના આધારસ્તંભ પર કાર્ય કરતી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાજય સરકારે મહિલા સશક્તિકરણના ભાગરૂપે રાજયની મહિલાઓને ઘર આંગણે સરળ, સસ્તો અને ઝડપી ન્યાય મળી રહે એ રાજય સરકારની પ્રાથમિકતા રહી છે. ત્યારે આ ફેમીલી કોર્ટોના નિર્માણથી રાજયની મહિલાઓને તેઓના લગ્ન, ભરણપોષણ, કૌટુંબિક તકરારો, સંપત્તિ હક્કને લગતા કેસો ચલાવવામાં આવે છે અને આ કોર્ટોમાં માત્ર મહિલાઓને લગતા કેસો જ હોવાના કારણે કેસોનો ઝડપથી નિકાલ થાય છે.

મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે રાજય સરકારની મહિલા સશક્તિકરણની નીતિના ભાગરૂપે મહિલાઓના પ્રશ્નોનો જલ્દી નિકાલ આવે તે માટે રાજયના દરેક જિલ્લામાં ફેમિલી કોર્ટની સ્થાપના થાય તેવી આ રાજય સરકારની કટિબદ્ધતા છે. રાજય સરકારનો મુખ્ય હેતુ ગરીબ, અભણ અગર તો ભણેલ ગણેલ અને કામ કરતી મહિલાઓને તેમના લગ્ન જીવનને લગતા પ્રશ્નો, લગ્ન જીવન બાદના  ભરણપોષણ, બાળકની કસ્ટડી, મિલ્કતની તકરાર અને છૂટાછેડા જેવા સંવેદનશીલ ઇસ્યુ સંબંધે અન્યાય ન થાય અને તેમને ઘર આંગણે જ ઝડપથી ન્યાય મળી રહે તે માટે દરેક જિલ્લામાં એક અલાયદી ફેમિલી કોર્ટ હોવી જરૂરી છે.

મહિલા કોર્ટના હિયામતી એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને વિશ્વકર્મા દિવસથી જ આ મહિલા કોર્ટ્સ કાર્યરત થવાના પ્રસંગને એક સુભગ સંયોગ જણાવી આ જિલ્લાની મહિલાઓ માટે આ કોર્ટ્સ ન્યાય મેળવવા માટે એક આશાનું કિરણ બની રહેશે તેવી શુભેચ્છા કાયદા મંત્રીએ વ્યકત કરી હતી.

error: Content is protected !!