ટેલિવિઝન એન્કરને ફેસબુકમાં ગાળો ભાંડનારા ગાંધીધામના યુવાન સામે ગુનો નોંધાયો

અમદાવાદ: એનડીટીવીના એન્કર અને પત્રકાર રવીશકુમારને ફેસબુક ઉપર ગાળો આપનાર ગાંધીધામના મનીષ સોમાણી સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. આ મામલે એનડીટીવી અથવા રવીશકુમાર દ્વારા કોઇ પોલીસ ફરિયાદ કરવામાં આવી નહોતી, છતાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સેપેક્ટર કિરણ ચૌધરીએ જાતે ફરિયાદી થઇ સરકાર તરફે ગુનો નોંધ્યો છે.  છેલ્લા કેટલાક  મહિનાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સાયબર ટીમ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે. તેમના ધ્યાનમાં આવ્યું હતું કે, રવીશકુમારના ફેસબુક ઉપર ગુજરાતની એક વ્યક્તિએ ગાળો લખી તેમને અપમાનિત કર્યા હતા. રવીશકુમારને ગાળો આપનાર ગુજરાતી હોવાને કારણે ટીમે તેના અંગે વધુ તપાસ કરાઇ તો તેણે પોતાના પ્રોફાઇલમાં ગુજરાત પોલીસના ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકેની ઓળખ આપી હતી. સામાન્ય રીતે સરકારી અમલદાર દ્વારા આવી હરકત કરવામાં આવતી નથી. આથી ક્રાઇમબ્રાન્ચે ઇન્ટેલિજન્સ વિભાગમાં જઇ તપાસ કરતાં ત્યાં કોઇ અધિકારી નહીં હોવાનું ખૂલ્યું  હતું. વાસ્તવમાં કચ્છના ગાંધીધામમાં દુકાન ધરાવતા મનીષ સોમાણી નામની વ્યક્તિએ પોતાની પ્રોફાઇલમાં ઇન્ટેલિજન્સ ઓફિસર હોવાનું લખ્યું હતું. આમ, ખોટી ઓળખ ઊભી કરી ફેસબુક ઉપર રવીશકુમારને ગાળો આપનાર સામે ગુનો નોંધવાનો નિર્ણય લેવામાં આવતાં ઇન્સ્પેક્ટર કિરણ ચૌધરીએ જાતે ફરિયાદ આપી ગુનો નોંધ્યો હતો.

error: Content is protected !!