આ દિવાળી પર ભેટસોગાદોને બદલે પુસ્તકો આપો : સુરત કલેકટરની અનોખી અપીલ

સુરતઃ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. દિવાળીમાં એક-બીજાને ભેટ આપતા હોય છે. જેમાં ખાસ કરીને મીઠાઈ આપવામાં આવતી હોય છે. ત્યારે સુરત જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલ દ્વારા અધિકારીઓને દિવાળીમાં ભેટસોગાદો આપવાને બદલે પુસ્તકો આપવા માટેની અપીલ કરવામાં આવી છે. જેને લઈને કલેક્ટર કચેરી પર દિવાળી દરમિયાન અધિકારીઓને ભેટસોગાદો આપવાના બદલે પુસ્તકો આપવાના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

કલેક્ટર ડૉ. ધવલ પટેલ દ્વારા કરવામાં આવેલી આ અનોખી પહેલને કારણે હાલ તે વિચાર ચર્ચાનો વિષય બન્યો છે. સુરત કલેક્ટર કચેરી પર લગાવવામાં આવેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, “આપ સર્વેને દિવાળી અને નવા વર્ષની શુભકામના. આપની શુભકામનાઓ બહુમૂલ્ય છે. મીઠાઈઓ કે ભેટસોગાદો આપી તેનું અવમૂલ્યન કરશો નહીં. આ દિવાળી ગમતા માણસોને સારા પુસ્તકો ભેટ આપી નવો ચીલો ચીતરીએ.

ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ અવનવું કરવાથી ટેવાયેલા છે. થોડા સમય પહેલાં કલેક્ટરે સોશિયલ મીડિયાને તિલાંજલી આપી નવી પહેલ શરૂ કરી હતી. તેમણે વોટ્સઅપ પર કરેલા છેલ્લા મેસેજમાં પોતાના સહકર્મચારીઓ અને અધિકારીઓને કહ્યું કે, પોતે સ્માર્ટ ફોન કે સોશિયલ મીડિયા જેવા કે વોટ્સઅપ, ફેસબુક કે ટ્વીટર, પર એક્ટીવ નહીં રહે. તેમનો સંપર્ક કરવો હોય તો ફોન કોલ, એસએમએસ અને ઇમેલ પર ઉપલબ્ધ રહેશે. આ સાથે જ તેમણે પોતાનો મોબાઇલ નં. 99278406222 અને ઇમેલ collector.sur@gujarat.gov.in જાહેર કર્યા છે. જોકે, પટેલે સોશિયલ મીડિયા છોડવા પાછળનું કારણ અંગત હોવાનું કહ્યું છે. પટેલની આ પહેલ બાદ 5 ડેપ્યુટી ક્લેક્ટરે પણ સોશિયલ મીડિયાને તિલાંજલી આપી દીધી હતી.

error: Content is protected !!