ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહને 2004ના નિલેશ રૈયાણી હત્યા કેસમાં આજીવન કેદની સજા

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અન્ય બે આરોપી અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ ઉર્ફે ભોગતરાણાને વર્ષ 2004ના નિલેશ રૈયાણી હત્યા કેસમાં આજીવન કેદની સજા ફરમાવી છે. સેશન કોર્ટેના અગાઉના આદેશથી વિપરીત હાઈ કોર્ટે આરોપી સમીર ખાન પઠાણને નિર્દોષ મુક્ત કર્યો છે.

રાજકોટ જીલ્લાની ગોંડલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય, જાડેજાને વર્ષ 2010માં આ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જાડેજા સહિત 15 અન્ય લોકો સામે જમીનના મુદ્દે નિલેશની હત્યા બદલ ચાર્જશીટ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જાડેજાને અગાઉ વીનુ શિન્ઘાળા હત્યા કેસમાં પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

8 ફેબ્રુઆરી 2004માં વાછરા ગામના નિલેશ મોહન રૈયાણી નામનો વ્યક્તિ જગદીશ સટોડિયા અને રામજી મારકણા સાથે તેની જીપમાં ગોંડલના જેસિંગ કલા ચોક પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ ત્રણેય પર ગોળીબાર શરુ કરી દીધો હતો અને રૈયાણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ હુમલામાં સટોડિયાને ઈજા પહોંચી હતી અને મારકણા બચી ગયો હતો. સટોડિયાએ જયરાજસિંહ જાડેજા, સ્થાનિક ભાજપ નેતા જયંતી ઢોલ અને પૂર્વ અન્ડર 19 ક્રિકેટર મહેન્દ્રસિંહ રાણા સહીત 15 શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો.

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ના અહેવાલ મુજબ, નિલેશ રૈયાણીના મૃતદેહમાંથી મળેલી બુલેટ આરોપી સમિત સિરાજ પઠાણની પિસ્તોલની હતી. બેલિસ્ટિક રિપોર્ટ પુરાવા સાથે, 2010માં સ્થાનિક ફાસ્ટ ટ્રૅક કોર્ટે સમીર પઠાણને રૂ. 10,000 નો દંડ ફટકાર્યો હતો જ્યારે જાડેજા અને અન્યોને આરોપમાંથી રાહત આપી હતી. પરંતુ હાઈકોર્ટે આજે નીચલી અદાલતના આદેશને પલટાવી દીધો છે.

error: Content is protected !!