ગુજરાતમાં પદ્માવત ફિલ્મની રીલીઝ પર પ્રતિબંધ અંગે સરકારનું જાહેરનામુ

ગાંધીનગર: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું છે કે, રાજ્યમાં શાંતિ, સલામતી અને સૌહાર્દ જળવાય તથા કોઇ પણ સમાજ – કોમની લાગણી ન દૂભાય અને વૈમનસ્ય ન ફેલાય તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે. દેશભરમાં આ ફિલ્મના પ્રસારણ બાબતે વિવાદનો વંટોળ ઉભો થયો છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ સમાજની લાગણી ન દૂભાય અને સામાજિક સૌહાર્દ જળવાય તે માટે આ ફિલ્મના ગુજરાતમાં પ્રસારણ પર પ્રતિબંધ મૂકવા આદેશ કર્યો હતો. તેના ભાગરૂપે આજે (રવિવારે) ગુજરાત સરકારે એક જાહેરનામા દ્વારા આ ફિલ્મના ગુજરાતમાં પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, પદ્માવતી (પદ્માવત) ફિલ્મના પ્રસારણ બાબતે દેશભરમાં વિવાદનો વંટોળ ઉભો થયો છે. આ ફિલ્મના પ્રસારણ ઉપર રાજ્યના મુખ્યમંત્રી  રૂપાણીએ અગાઉથી જ પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું હતું. કેટલાંક મીડિયામાં આ ફિલ્મનું નામ પદ્માવતી થી પદ્માવત કરી ફિલ્મ રીલીઝ કરવા મંજૂરી આપવામાં આવશે તેવા અહેવાલ પણ પ્રસિધ્ધ થયા હતા. આજે બહાર પડાયેલા જાહેરનામા પરથી એ પૂરવાર થાય છે કે, આ ફિલ્મ પરનો ગુજરાતમાં પ્રતિબંધ યથાવત રહ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિને તોડી મરોડીને વિકૃત રીતે રજૂ કરવામાં આવતાં સામાન્ય નાગરિક સમાજની લાગણી દૂભાય છે. આ પરિસ્થિતિને નિવારવા ફિલ્મના પ્રસારણ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પણ બહાર પડાયું છે. ગુજરાત સિનેમા (નિયમન) અધિનિયમ, ૨૦૦૪ની કલમ – ૬(૧) મુજબ જો કોઇ ચલચિત્રના પ્રદર્શનના કારણે નુકસાન થાય તેમ હોય અને જાહેર સુખ-શાંતિનો તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો ભંગ થાય તેમ હોય તો તેવા ચલચિત્રના પ્રદર્શન ઉપર પ્રતિબંધની જોગવાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત રાજ્ય અથવા તેના કોઇ ભાગના સંબંધમાં, રાજ્ય સરકારનો અથવા પોતાની હકૂમત હેઠળના વિસ્તારના સંબંધમાં લાઇસન્સ આપનાર સત્તાધિકારીનો એવો અભિપ્રાય હોય કે જાહેરમાં બતાવતાં ચલચિત્રથી જાહેર વ્યવસ્થાનો ભંગ થવાનો સંભવ છે, તો તે હુકમ કરીને ચલચિત્ર બતાવવાનું મોકૂફ રાખી શકશે અને તેવી મોકૂફીની મુદત દરમિયાન, એવું ચલચિત્ર હુકમમાં નિર્દિષ્ટ કરેલા વિસ્તારમાં પ્રમાણપત્ર નહીં આપેલું ચલચિત્ર છે એમ ગણાશે.

Related Stories

error: Content is protected !!