ભારત સરકારના વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગીગાવોટ પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદનના લક્ષ્‍યાંકને પૂર્ણ કરવા ગુજરાત સરકારનું આયોજન

ગાંધીનગર:રાજ્યના ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ અને ઊર્જા રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતની પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ક્ષમતાને વેગ આપવાના રાજ્ય સરકારના નિર્ણયની માહિતી આપતા જણાવ્‍યું હતુ કે, પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર બનવા મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના કર્મઠ નેતૃત્‍વમાં ગુજરાતે આવનાર ત્રણ વર્ષમાં અંદાજેરૂા. ૧ લાખ કરોડના મૂડી રોકાણ સાથે વિશેષ આયોજન કર્યુ છે. તેમણે જણાવ્‍યું હતું કે, પર્યાવરણ સંબંધી પેરિસ સમજૂતિ અનુસાર ભારત દેશે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગીગા વોટ પુનઃ પ્રાપ્‍ય ઊર્જાના ઉત્‍પાદનનો લક્ષ્‍યાંક જાહેર કર્યો છે. વડાપ્રધાનશ્રીનું આ સપનું સાકાર કરવા ગુજરાતે દેશભરમાં અગ્રેસર રહીને આવનાર ત્રણ વર્ષમાં  ૧૫ હજાર મે.વો. પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદિત કરી કરાર કરવાનું આયોજન કર્યુ છે. જેમાં ૧૦ હજાર મે.વો. વીજળી સૌર ઊર્જા દ્વારા અને પાંચ  હજાર મે.વો. વીજળી પવન ઊર્જા દ્વારા ઉત્‍પાદિત કરવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્‍યો છે.

ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, આવનારા ત્રણ વર્ષમાં જે ૧૦ હજાર મે.વો. સૌર ઊર્જા ઉત્‍પન્‍ન કરવામાં આવશે તેમાં ધોલેરા સર ખાતે પ હજાર મે.વો.ના સોલાર પાર્કનો સમાવેશ થાય છે. આ સોલાર પાર્ક માટેના ૧ હજાર મે.વો.ના ટેન્‍ડરો ટૂંક સમયમાં બહાર પડાશે.

આ ઉપરાંત રાજય સરકારે બનાસકાંઠા જિલ્‍લાના રાધા નેસડા ખાતે સોલાર પાર્ક સ્‍થાપવાનો નિર્ધાર કર્યો છે. જયાંથી પણ  ૭૦૦ મે.વો. સૌર ઊર્જા ઉત્‍પાદિત કરાશે. આ સિવાય બનાસકાંઠા જિલ્‍લાના હર્ષદ ખાતે પણ એક સોલાર પાર્ક સ્‍થાપીને વધારાની પ૦૦ મે.વો. સૌર ઊર્જા ઉત્‍પાદિત કરવામાં આવશે.

મંત્રીશ્રીએ એમ પણ જણાવ્‍યું હતું કે,  રાજ્ય સરકારે ૫૦૦ મે.વો. સૌર ઊર્જા ખરીદી  કરવા હમણાંજ પ૦૦ મે.વો.નું ટેન્‍ડર બહાર પાડયું છે. જે કંપની જાતે જમીન શોધી પ્‍લાન્‍ટ સ્‍થાપિત કરી, સૌર ઊર્જા ઉત્‍પન્‍ન કરશે તેમના પૈકી જેના ઓછા ભાવ આવશે તેની પાસેથી વીજળી ખરીદાશે.

ઊર્જા મંત્રીશ્રીએ વધુ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, રાજય સરકારે રાજયમાં પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદનને વધુને વધુ પ્રોત્‍સાહિત કરવા કેટલીક નવી પહેલ પણ કરી છે. જેમાં રાજયભરના ૬૬ કે.વી. સબ સ્‍ટેશનો પૈકી કેટલાંક સબ સ્‍ટેશનો એવા છે કે, જયાં રાજય સરકારની ખરાબાની જમીન પડી છે. પ્રાથમિક તબકકે કુલ  ૫૦ સબ સ્‍ટેશનોને ધ્‍યાને લેવાયા છે. આવી સરકારી ખરાબાની જમીન ઉપર ઓછામાં ઓછા  ૨૦ મે.વો. અને તેથી વધુના સૌર ઊર્જા એકમો સ્‍થાપવામાં આવશે. આવી ઉત્‍પાદિત થતી સૌર ઊર્જા ખરીદવા માટે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરાશે અને તે મુજબ સરકાર વીજળી ખરીદશે. રાજય સરકારની આ પહેલ દ્વારા અંદાજે ૩ હજાર મે.વો. સૌર ઊર્જા ઉત્‍પાદિત કરવાનો લક્ષ્‍યાંક  રાજય સરકાર ધરાવે છે.

રાજય સરકારે સૌર ઊર્જા ઉત્‍પાદન માટે એક બીજી પહેલ કરીને  ’’સ્‍મોલ સ્‍કેલ ડીસ્‍ટ્રીબ્‍યુટર્સ સોલાર પ્રોજેકટ’’ તૈયાર કર્યો છે. જેની માહિતી આપતા ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, દેશભરમાં પ્રથમ જ વખત ગુજરાત સરકારે આ નવતર અભિગમ સાથે યોજના બનાવી છે. જેમાં કોઇપણ વ્‍યકિત, પેઢી, નાની કંપની કે સહકારી મંડળી અડધા મે.વો. એટલે કે ૫૦૦ કિ.વો. થી માંડીને ૪ મે.વો. સુધીની સૌર ઊર્જાનું ઉત્‍પાદન ખેતરમાં કે કોઇ પડતર જમીનમાં કરશે અને ઉત્‍પાદિત થતી સૌર ઊર્જા ૧૧ કે.વી. લાઇનમાં આપશે તો અગાઉના અંતિમ ટેન્‍ડરની જે આખરી પ્રાઇઝ નકકી થઇ હશે તે ભાવે  સરકાર આ વીજળી ખરીદશે અને નવી ટેન્‍ડર પ્રક્રિયાની જરુર નહી રહે. આ પ્રોજેકટ માટે રાજ્ય સરકાર રપ વર્ષનો કરાર પણ કરશે. ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, નાના રોકાણકારો માટે સૌર ઊર્જા ઉત્‍પાદન માટેના આ પ્રોજેકટમાં અમૂલ્‍ય તક છે. આવા પ્રોજેકટથી  ૨૦૦૦ મે.વો. સૌર ઊર્જા ઉત્‍પાદિત થવાનો અંદાજ છે અને આ અંગે વિસ્‍તૃત પોલીસી રાજય સરકાર ટૂંક સમયમાં  જાહેર કરશે.

આ સિવાય રાજય સરકારની સૌર ઊર્જા ઉત્‍પાદિત કરવાની સાથે સંકળાયેલી સ્‍કાય-સૂર્ય શકિત કિસાન યોજના અને રૂફટોપ યોજના પણ રાજયભરમાં કાર્યરત રહેશે. સ્‍કાય યોજના હેઠળના પાયલોટ પ્રોજેકટનું અમલીકરણ સફળતાપૂર્વક આગળ વધી રહયું છે અને ખેડૂતો આ યોજના માટે ઘણો ઉત્‍સાહ દર્શાવી રહયા છે.

રાજ્ય સરકારે દેશભરમાં આગવી એવી રૂફટોપ યોજના અમલમાં મૂકી નાગરિકોને પણ પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન ક્ષેત્રે જોડયા છે. આ યોજનાનો રાજ્યમાં સફળતાપૂર્વક અમલ થઇ રહયો છે જેના કારણે અત્‍યાર સુધીમાં રૂફટોપ દ્વારા ૨૩૩ મે.વો.સૌર ઊર્જા ઉત્‍પન્‍ન થઇ રહી છે.

સૌર ઊર્જાની સાથે જ રાજયમાં પવન ઊર્જાના ઉત્‍પાદનને પણ એટલું જ પ્રોત્‍સાહન મળે તે માટે રાજય સરકારે વિશેષ આયોજન કર્યુ છે. જેની વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, રાજ્ય સરકારે આવતા ત્રણ વર્ષમાં પ હજાર મે.વો.પવન ઊર્જા ઉત્‍પાદિત કરવાનો લક્ષ્‍યાંક રાખ્‍યો છે. તેમણે જણાવ્‍યું હતું કે,એકલા કચ્‍છમાં જ ૪ હજાર મે.વો.જેટલી પવન ઊર્જાના ઉત્‍પાદનની સંભાવના હોઇ, કોઇ એક સ્‍થળેથી જ આટલી મોટી માત્રામાં આવી ઊર્જા ઉત્‍પાદિત કરનારૂ ગુજરાત પ્રથમ રાજ્ય બનશે.આ રીતે પુનઃપ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદિત કરવાની કચ્‍છ વિસ્‍તારની જે ક્ષમતા છે તેનો રાજય સરકાર મહત્‍તમ ઉપયોગ કરશે.આ ઉપરાંત ૧ હજાર મે.વો.ની રાજયના અન્‍ય સ્‍થાનેથી ઉત્‍પન્‍ન થતી પવન ઊર્જા ટેન્‍ડર દ્વારા ખરીદ કરવામાં આવશે.

દેશભરમાં પહેલી વખત ગુજરાતના પીપાવાવ બંદર ખાતે મધદરિયે ૧ હજાર મે.વો. ક્ષમતાનો વિન્‍ડ પાવર પ્રોજેકટ સ્‍થાપવાનો કેન્‍દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ પ્રોજેકટ દ્વારા ઉત્‍પાદિત થનારી પવન ઊર્જાનો સંપૂર્ણ હિસ્‍સો ખરીદવાની રાજય સરકારે કેન્‍દ્ર સરકારને સંમતિ પણ આપી દીધી છે. રૂા. ૧૫ હજાર કરોડના મૂડી રોકાણ સાથેના આ પ્રોજેકટના ટૂંક સમયમાં  ટેન્‍ડર બહાર પાડવામાં આવશે.આ પ્રોજેકટથી પીપાવાવ વિસ્‍તારમાં રોજગારીની તકોમાં વધારો થશે.

રાજ્ય સરકારે પવન ઊર્જા ઉત્‍પાદનને પ્રોત્‍સાહિત કરવા અનેકવિધ પગલાં લીધા છે. ઉદ્યોગો માટે કેપ્‍ટીવ પાવર વપરાશકારોને વધુ પ્રોત્‍સાહન આપવા માટે રાજય સરકારે વિન્‍ડ કેપ્‍ટીવ પોલીસીમાં પણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જેનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના કુશળ નેતૃત્‍વ હેઠળ રાજય સરકારે આવતા ૩ વર્ષમાં ગુજરાતની પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ક્ષમતાને બમણી કરવાના દ્રઢ નિર્ધાર સાથે અનેકવિધ આયોજન કર્યા છે. રાજયની હાલ પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદિત ક્ષમતા ૭૬૪૫ મે.વો. છે એટલે કે, કુલ ઊર્જા ઉત્‍પાદનના ૨૮ ટકા જેટલી છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન ૨૨૯૨૨ મે.વો. એટલે કે કુલ સ્‍થાપિત ક્ષમતાના ૫૩ ટકા જેટલું પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન વધારવા જે ભગીરથ પૂરુષાર્થ આદર્યો છે જેના પરિણામે દેશભરમાં ઊર્જાવાન ગુજરાત અગ્રેસર રહેશે.

error: Content is protected !!