ગુજરાત એસ.ટી. નિગમના દ્વારા ઇન હાઉસ બસ બોડી બિલ્ડીંગનો પ્રારંભ, પ્રથમ તબક્કામાં 31 સ્લીપર બસનું નિર્માણ કરાશે

અમદાવાદ: ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા વર્ષઃ ૨૦૧૭-૧૮થી કાયમી ધોરણે ઇન હાઉસ બોડી બિલ્ડીંગ કરવા માટેનો નિર્ણય લેવાયો હતો જે અંતર્ગત નિગમ દ્વારા પ્રારંભિક તબક્કામાં ૩૧ સ્લીપર બસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

તબક્કાવાર તૈયાર કરવામાં આવનાર એસ.ટી. બસો પૈકી સર્વપ્રથમ તૈયાર થયેલ સ્લીપર બસનું રાજ્યનાં મુખ્ય સચિવ ડો.જે.એન.સિંઘે, એસ.ટી.નિગમનાં ઉપાધ્યક્ષ અને વહીવટ સંચાલક સોનલ મિશ્રાની હાજરીમાં નિરીક્ષણ કર્યું હતું.

નરોડા ખાતે આવેલ એસ.ટી. નિગમનાં મધ્યસ્થ કાર્યાલય ખાતે નિર્માણ કરવામાં આવેલ વર્કશોપ

ખાતે તૈયાર થતી એસ.ટી.બોડી બિલ્ડીંગનાં વર્કશોપની કામગીરીની જાણકારી મેળવી હતી અને કાર્યરત કામગીરીની પ્રગતિની સમીક્ષા મુખ્ય સચિવે કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નરોડા સ્થિત એસ.ટી.વર્કશોપ ૫૧ એકરમાં પથરાયેલું એશિયાનું સૌથી મોટુ એસ.ટી.બોડી બિલ્ડીંગ વર્કશોપ છે.

મુખ્ય સચિવે કહ્યું કે, એસ.ટી.નિગમે પોતાની કાર્યક્ષમતાથી ઇન હાઉસ બસની બિલ્ડીંગ બનાવવાનું કાર્યની એક સારી શરૂઆત છે.

તેમણે કહ્યું કે, એસ.ટી.નાં કર્મચારીઓમાં ક્ષમતા પડેલી છે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે. અહીં બીજા રાજ્યો માટેની પણ બોડી બિલ્ડીંગ માટેની ક્ષમતા છે. છ માસનાં ટુંકા ગાળામાં એસ.ટી.નિગમે સ્લીપર બસનું નિર્માણ કર્યું છે તેનો આનંદ અને ગૌરવ વ્યકત કરતાં કહ્યું કે, નાગરિકોને પરિવહનની શ્રેષ્ઠ સેવા આપવાં સાથે નફો રળતુ નિગમ બનવાની ક્ષમતા એસ.ટી. નિગમમાં છે.

વર્કશોપમાં કાર્ય કરતાં, ઇનોવેટિવ આઇડિયા ધરાવતાં  કર્મચારીઓને અન્ય રાજ્ય તથા વિદેશમાં પણ તાલીમ આપી વિશ્વ કક્ષાનાં બોડી બિલ્ડીંગ બનાવવામાં આવે તે માટે સરકાર પોતાનાં ખર્ચે સારા કર્મચારીઓને તાલીમ આપવા પણ તૈયાર છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

એસ.ટી.નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટ સંચાલક સોનલ મિશ્રાએ જણાવ્યુ કે, આગામી સમયમાં અત્રેનાં વર્કશોપમાં વર્ષની ૨ હજાર બોડીનું ઇન હાઉસ નિર્માણ કરીશું. આ પ્રસંગે એસ.ટી. નિગમનાં કર્મચારીઓ-અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

error: Content is protected !!