જીએસટી અને નોટબંધીની અસર ધાર્યા મુજબની રહી: અરુણ જેટલી

નવી દિલ્હી, દેશગુજરાત: નરેન્દ્ર મોદી સરકારની સ્વચ્છ ભારત, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અને નોટબંધીની અસર ધાર્યા પ્રમાણેની રહી છે. નાણામંત્રી અરુણ જેટલીએ બર્કલે ઇન્ડિયા કોન્ફરન્સને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા આ વાત કરી હતી.

જેટલીએ કહ્યું, જીએસટી અને નોટબંધી જેવા પગલાંએ અર્થવ્યવસ્થામાં વેરાનું અનુપાલન વધારવા માટે અને રોકડ વ્યવહાર ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર અને રાજ્ય સ્તર પર સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓને લોકોનું સમર્થન મળ્યું છે.

જેટલીએ વધુમાં કહ્યું કે, ‘હું આશા રાખું છું કે ભારત ફરી એકવાર વૃદ્ધિ દર (જીડીપી) મેળવી લોકોની ઈચ્છાઓને પૂર્ણ કરશે.’ જેટલીએ કહ્યું કે, આપણે ભૂલવું જોઈએ નહીં કે આપણે સમગ્ર દેશની વસ્તીની સાથે સાથે યુવાન વસ્તીની જરૂરીયાતને પણ પૂર્ણ કરવાની છે.’

ઉલ્લેખનીય છે કે, મંગળવારે જેટલી એક અઠવાડિયા માટે અમેરિકાના પ્રવાસ પર પહોંચશે. તેઓ ન્યૂયોર્ક અને બોસ્ટનમાં અમેરિકી કોર્પોરેટ જગતના નિષ્ણાતો સાથે વાટાઘાટો કરશે તેમજ વોશિંગ્ટન ડીસીમાં આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (આઈએમએફ) અને વિશ્વ બેન્કની વાર્ષિક બેઠકમાં ભાગ લેશે.

error: Content is protected !!