વિદેશી મૂડીરોકાણ આકર્ષવામાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે, છેલ્લા બે વર્ષમાં જાપાનનો મસમોટો ફાળો

ગાંધીનગર, દેશગુજરાત: સત્તાવાર આંકડા અનુસાર, ગુજરાતે નાણાકીય વર્ષ 2016-17માં 3.36 અબજ ડોલરનું સીધુ વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)આકર્ષ્યું છે, જે વર્ષ 2015-16 (2.24 અબજ ડોલર) કરતાં 50 ટકા વધારે છે અને 2013-14 કરતા ચાર ગણું વધારે છે. વર્ષ 2013-14માં ગુજરાતમાં એફડીઆઈનો આંકડો 860 મિલિયન ડોલર હતો. એફડીઆઈની બાબતે ગુજરાત પાછલા બે વર્ષમાં કર્ણાટક અને તમિળનાડુથી આગળ નીકળી ગયું છે. એફડીઆઈ આકર્ષવામાં ગુજરાત હવે ભારતના ટોચના ત્રણ રાજ્યોમાં સ્થાન ધરાવે છે.

ઓટોમોબાઇલ ક્ષેત્રે કુલ એફડીઆઇમાં સિંહફાળો નોંધાવ્યો છે. સુઝુકીએ મહેસાણામાં તેના કાર પ્લાન્ટમાં 3,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ વિઠલાપુરમાં વિશ્વની સૌથી મોટા સ્કૂટર ઉત્પાદન પ્લાન્ટ માટે રૂ. 1,100 કરોડનું રોકાણ કર્યું છે. તાઇવાનના મેક્સસેસે ટાયર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે રૂ. 2600 કરોડનું રોકાણ કર્યું છે.

છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં એફડીઆઈમાં જાપાને સૌથી મોટું યોગદાન આપ્યું છે. ગુજરાતમાં જાપાનનું અત્યાર સુધીમાં 1 અબજ ડોલરનું રોકાણ થઈ ગયું છે. આ સાથે જ વર્ષ 2020 સુધીમાં આ રોકાણ 3 અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. ઓત્સુકા ફાર્મા, કંસાઈ નેરોલેક અને ટોયોડા ગોસી મિન્ડા ગુજરાતમાં અન્ય મોટા રોકાણકારો છે.

error: Content is protected !!