ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, 2007 અજમેર બ્લાસ્ટમાં મુખ્ય સૂત્રધારને ભરૂચથી ઝડપી પાડ્યો

ભરૂચ : ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કોડ (એટીએસ)ને મોટી સફળતા હાથ લાગી છે. 2007 અજમેર બ્લાસ્ટમાં મુખ્ય સૂત્રધારને ગુજરાત એટીએસએ ભરૂચથી ઝડપી પાડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2007માં અજમેર દરગાહમાં એક બોમ્બ મુકવામાં આવ્યો હતો. જે  બૉમ્બ વિસ્ફોટ થતા 3 લોકોના મોત થયા હતા અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બ્લાસ્ટના વોન્ટેડ આરોપી સુરેશ નાયરની ભરૂચમાંથી એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

માર્ચ, 2017એ સ્પેશિયલ એનઆઈએ કૉર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં દેવેન્દ્ર ગુપ્તા, ભાવેશ પટેલ સહિત ત્રણને દોષી કરાર અપાયો હતો. સ્વામી અસીમાનંદ સહિત 7 લોકો નિર્દોષ મુક્ત થયા હતાં. બે દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, સુરેશ નાયર સહિત 3 આરોપી ફરાર હતા. જેમાંથી સુરેશ નાયર આજે (રવિવારે) ઝડપાઇ જતા એટીએસને મોટી સફળતા મળી છે.

2007 અજમેર બ્લાસ્ટની તસવીર

એટીએસના અધિકારીઓને બાતમી મળી હતી કે, અજમેર બ્લાસ્ટમાં મુખ્ય સૂત્રધાર સુરેશ નાયર આગામી દિવસોમાં ભરૂચ પાસે શુક્લતીર્થની મુલાકાતે આવવાનો છે. જે બાતમીના આધારે તે જગ્યાએ લાંબા ગાળાની વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન આજે સુરેશ નાયર આવી પહોંચતા તેને દબોચી લેવામાં આવ્યો હતો. સુરેશ નાયરની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે અમદાવાદ જવામાં આવ્યો છે. માહિતી મુજવ સુરેશને આગામી દિવસોમાં એન.આઇ.એ.ને સોંપવામાં આવશે. નોંધનીય છે કે, સુરેશની ધરપકડ પર એન.આઇ.એ. દ્વારા રૂપિયા 2 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, સુરેશ નાયરે કથિતરૂપે બોમ્બનો સામાન બીજા ષડ્યંત્રકારીઓને સપ્લાય કર્યો હતો અને તે પોતે પણ ગુનાની જગ્યા ઉપર કથિત રૂપે હાજર હતો. આ સમગ્ર માહિતી એનએઆઈની તપાસમાં સામેં આવી હતી.

error: Content is protected !!