ગુજરાત ભાજપે રાજ્યની 26 લોકસભાની બેઠકોમાં પ્રભારી, ઇન્ચાર્જ અને જોઈન્ટ ઇનચાર્જની નિમણુંક કરી

ગાંધીનગર: પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ગઇકાલે સરદાર સરોવર, કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભ પટેલની પ્રતિમાના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કર્ણાટકના રાજ્યપાલ વજુ વાળાએ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગુજરાતના પનોતાપુત્ર સરદાર વલ્લભ પટેલ પ્રત્યે સન્માન અને શ્રધ્ધા વ્યક્ત કરવા માટે ઉપસ્થિત રહીને લોકોને ઉત્સાહિત કરીને માર્ગદર્શન આપ્યુ તે બદલ સમગ્ર ગુજરાતની જનતા વતી આભારની લાગણી વ્યક્ત કરું છું.

આ ઐતિહાસિક પ્રસંગે સરદાર વલ્લભ પટેલના કુટુંબીજનોએ પણ હાજર રહીને આ પ્રસંગને વધુ ગરિમામય બનાવ્યો તે બદલ તેમનો પણ આભાર માનુ છું. આ લોકાર્પણ પ્રસંગે સાધુસંતો, સંપ્રદાયોના વડાઓ તેમજ તમામ સમાજોના શ્રેષ્ઠીઓ, સામાજીક આગેવાનો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ જુદાજુદા રાજ્યોમાંથી ઉપસ્થિત રહેલ મહેમાનો સહિત હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા તમામ રાષ્ટ્રપ્રેમી લોકોનો પણ હદયપૂર્વક આભાર માનુ છું. આઝાદીની લડત અને ત્યારબાદ દેશને સંગઠીત કરવા માટે પોતાની જાત ઘસી નાંખનાર સરદાર વલ્લભ પટેલના વિચારો આજે પણ જીવંત છે અને સદાય જીવંત રહેશે.

સરદાર વલ્લભ પટેલની જન્મજયંતિ પ્રસંગે વડાપ્રધાન મોદીના હસ્તે સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વને ઉજાગર કરતી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણના ભવ્ય કાર્યક્રમનો વિરોધ કરનારા વિરોધપક્ષોએ ભૂતકાળમાં સરદાર વલ્લભ પટેલને તેમના જીવન દરમ્યાન કેવા હાંસિયામાં ધકેલી દીધા હતા અને તેમના પછી મૃત્યુ પછી પણ તેમને માન-સન્માન આપવામાં ઉદાસીન રહેનાર વિરોધપક્ષોને આ કાર્યક્રમનો વિરોધ કરી ફરી એકવાર તેમની સરદાર પટેલ વિરોધી અને ગુજરાતીઓ વિરોધી માનસિકતા છતી કરી છે.

વાઘાણીએ સોશીયલ મીડિયામાં ફરતો કોંગ્રેસ દ્વારા આયોજીત શ્રધ્ધાંજલી કાર્યક્રમનો એક ફોટો બતાવીને કહ્યું હતુ કે, ઇન્દિરા ગાંધીની વિશાળ તસવીરની બાજુમાં ખૂબ જ નાનો અને જોઇ પણ ન શકાય તેવો સરદાર વલ્લભ પટેલનો ફોટો મુકીને ફરી એકવખત કોંગ્રેસ દ્વારા તેમની અવગણના કરવામાં આવી હતી.

જીતુ વાઘાણીએ માહિતી આપતા કહ્યું હતુ કે, ગુજરાતના બે પાડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે, ગુજરાતમાંથી ભાજપાના આગેવાનો અને કાર્યકરો એ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર અને વ્યવસ્થામાં મદદરૂપ થવા માટે જનાર છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાજપાના ૧૦૦૦ થી વધુ કાર્યકરો અને આગેવાનો મહામંત્રી કે.સી.પટેલ તથા શંકર ચૌધરીની આગેવાની હેઠળ તેમજ દક્ષિણ અને મધ્યગુજરાતના ભાજપાના ૧૦૦૦ થી વધુ આગેવાનો અને કાર્યકરો મધ્યપ્રદેશ ખાતે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અને વ્યવસ્થામાં મદદરૂપ થવા માટે કાર્યકરો જનાર છે. પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, અને ભૂપેન્દ્ર લાખાવાલાની આગેવાનીમાં મધ્યપ્રદેશ ખાતે પ્રચારમાં જશે.

વાઘાણીએ કહ્યું હતુ કે, આજે સાંજે ઉત્તરઝોન લોકસભા બેઠકોની ચર્ચા માટે મુખ્યમંત્રીની ઉપસ્થિતિ તથા લોકસભા બેઠકના પ્રભારી, જીલ્લા સંગઠન પ્રભારી મંત્રી અને જીલ્લા પ્રમુખ-મહામંત્રીની હાજરીમાં બેઠક યોજાશે. વાઘાણીએ વધુમાં કહ્યું હતુ કે, ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણી માટે ૨૬ બેઠકો ઉપર બેઠકદીઠ પ્રભારી, ઇન્ચાર્જ તથા સહ ઇન્ચાજને જવાબદારીઓ સોંપવામાં આવી છે અને તેઓ તે લોકસભા બેઠક માટે કાર્યરત રહેશે. લોકસભા ચૂંટણી સંબંધિત વિવિધ વિભાગોમાં તબક્કાવાર આગેવાનોની નિયુક્તિ કરવામાં આવનાર છે.

error: Content is protected !!