લોકલ બોડી ચૂંટણીને અનુસંધાને ગુજરાત ભાજપ ગુરુવારે જિલ્લા પ્રમુખો સાથે બેઠક યોજશે

ગાંધીનગર, દેશગુજરાત: ગુજરાતમાં આગામી લોકલ બોડી ચૂંટણીના વિવિધ મુદ્દા પર ચર્ચા કરવા માટે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા આવતીકાલે (ગુરવારે) તમામ જિલ્લાનાં આગેવાનોની બેઠક બોલાવવામાં આવી છે.

પક્ષના એક નેતાએ કહ્યું કે, વાઘણીની આગેવાની હેઠળ ગાંધીનગરમાં પક્ષના મુખ્ય મથક કમલમમાં યોજાનારી બેઠકમાં રાજ્ય કક્ષાના વિવિધ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

તેમણે કહ્યું કે, આગામી લોકલ બોડી ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં મજબુત પકડ મેળવવાની તૈયારી અને વ્યૂહરચના એ બેઠકના મુખ્ય મુદ્દા હશે. કેટલાક વિસ્તારોમાં પક્ષના નબળા દેખાવ પાછળના કારણો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને હાલની વિધાનસભાની ચૂંટણીમાં જે વિસ્તારોમાં પક્ષે બેઠકો ગુમાવી છે તે વિસ્તારોની સ્થિતિની સમીક્ષા  અંગે વધારે ધ્યાન આપવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, પાર્ટી  ફેબ્રુઆરીમાં યોજાનારી લોકલ બોડી ચૂંટણી અંગે ગંભીર હતી અને 2019 ની લોકસભાની ચૂંટણી માટે વધુ સારી રીતે તૈયાર પણ છે.

આ અગાઉ નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાત ભાજપની પ્રથમ કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણી, ભૂપેન્દ્ર ચુડાસમા, આર.સી. ફળદુ, ગણપત વસાવા વગેરે સહિતના સિનિયર પ્રધાનોની હાજરીમાં પાર્ટીનું ભવિષ્ય અને આગામી દિવસોમાં ગુજરાતમાં લોકલ બોડીની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

error: Content is protected !!