જસ્ટીસ લોયા મૃત્યુ તપાસ કેસની પી.આઇ.એલ. ફગાવી દેવાનો સુપ્રિમ કોર્ટનો નિર્ણય સત્યનો વિજય છે:મુખ્યમંત્રી રૂપાણી


ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સર્વોચ્ચ અદાલતે જસ્ટીસ લોયાના કમનસીબ મૃત્યુની તપાસ માટે થયેલી પી.આઇ.એલ. ફગાવી દેવાના નિર્ણયને સત્યનો વિજય ગણાવ્યો છે.  રૂપાણીએ સુપ્રિમ કોર્ટના આ નિર્ણયની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે,
ભારતીય જનતા પાર્ટીએ ર૧ જેટલા રાજ્યોમાં જન સમર્થન મેળવ્યું છે ત્યારે લોકોના દિલમાંથી ફેકાઇ ગયેલી કોંગ્રેસ અને તેના અધ્યક્ષ રાહૂલ ગાંધીએ જસ્ટીસ લોયાના કમનસીબ મૃત્યુને ષડયંત્ર કરીને સુપ્રિમ કોર્ટમાં પી.આઇ.એલ. દાખલ કરી ભાજપા અધ્યક્ષ અમિત શાહને ખોટી રીતે બદનામ કરવાનો કારસો કર્યો હતો. એટલું જ નહિ, સાંસદોના ટોળાં સાથે રાષ્ટ્રપતિને મળીને પણ આ મૃત્યુ કેસમાં તપાસની માંગણી કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, સુપ્રિમ કોર્ટ આ પી.આઇ.એલ. ફગાવી દઇને તેના જજમેન્ટમાં જે 3 મૂદાઓ ટાંકયા છે તે મહત્વના છે.

– સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, આ પી.આઇ.એલ. રાજનીતિથી પ્રેરાઇને બદલાની ભાવના સાથે દાખલ કરવામાં આવી છે.

– આ પી.આઇ.એલ.માં ન્યાયતંત્ર અને સુપ્રિમ કોર્ટને બદનામ કરવાનું પણ ષડયંત્ર છે.
– તેમજ કોઇ એક વ્યકિતને ટારગેટ બનાવી આ પ્રકારની પી.આઇ.એલ. કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની ઉત્તરોત્તર વધતી જતી લોકપ્રિયતા અને જનસમર્થનથી કોંગ્રેસને પોતે હવે દેશમાં કયાંય બચશે નહી તેવી ભીતિ પેસી જતાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રાજકીય કેરિયર પૂરી કરવાના મલિન ઇરાદાથી આ પી.આઇ.એલ.માં જસ્ટિસ લોયાના કમનસીબ મૃત્યુ સાથે તેમને સાંકળી લેવાનું ષડયંત્ર રચ્યુ હતું.

તેમણે ઉમેર્યુ કે, અગાઉ ર૦૧૦માં પણ કોંગ્રેસે અમિત શાહને સૌહરાબૂદીન એન્કાઉન્ટર કેસ, સી.બી.આઇ. કોર્ટ વગેરે દ્વારા બદનામ કરવાની પેરવીઓ પણ કરી હતી તે ગુજરાત અને દેશ જાણે છે. પ્રજાના માનસમાંથી ફેકાઇ ગયેલી કોંગ્રેસે કોર્ટના પ્રાંગણમાં પણ રાજનીતિ કરવાનો જે પ્રયાસ કર્યો છે તેનો સર્વોચ્ચ અદાલતના આ પી.આઇ.એલ. ફગાવી દેવાના નિર્ણયથી પર્દાફાશ થઇ ગયો છે.

error: Content is protected !!