મુખ્યમંત્રી રૂપાણીએ દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, ગુજરાતના મહત્વના મુદ્દા અંગે કરી ચર્ચા

નવી દિલ્હી: મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમવારની બપોરથી બે દિવસ માટે નવી દિલ્હીની મુલાકાતે છે. તેમણે સોમવારે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેના બાદ આજે (મંગળવારે) તેમણે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ગુજરાતમાં પાણીની અછત અંગે મુખ્યમંત્રી રૂપાણીએ રજૂઆત કરતા વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.

આ મુલાકાત અંગે મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ કરી લખ્યું કે, વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતમાં ગુજરાતના વિકાસ સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ વિશે ચર્ચા થઈ.

આ સાથે જ મુખ્યમંત્રી રૂપાણી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ મળે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી રૂપાણી આજે જ ગાંધીનગર પરત ફરશે, તેવી માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, 19મી ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરુ થવાનું છે અને 20મીએ બજેટ રજૂ થવાનું છે.

error: Content is protected !!