ગુજરાતમાં આવેલા ભારે વરસાદ તથા પૂરને લીધે થયેલા મૃત્યુનો આંક 100ને પાર

ગાંધીનગર, દેશગુજરાત

ગુજરાતમાં અતિશય ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા મૃત્યુનો આધિકારિક આંકડો 100 (111) પર પહોંચ્યો છે. પૂરથી સૌથી વધારે અસર પામેલા બનાસકાંઠા જીલ્લાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રૂની-ખારીયા ગામમાં એક જ પરિવારના 14 સભ્યો સહીત મળેલા 17 મૃતદેહોને જોતા આવું બીજે પણ બન્યું હોય તો આ આંક આવનારા દિવસોમાં હજી પણ વધવાની શક્યતાઓ છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યા છે. આધિકારિક આંકડા પ્રમાણે પહેલી જૂનથી અત્યારસુધી કુલ 111 વ્યક્તિઓના મૃત્યુ થયા છે જેમાંથી 58 પૂરમાં તણાઈ જવાને કારણે, 33 વીજળી પડવાને કારણે, 6 વીજળીનો શોક લાગવાથી અને બાકીના 14 દીવાલ ધસી પડવાથી અને અન્ય કારણોસર થયા છે.

હજીપણ ઘણો વિસ્તાર પૂરના પાણી હેઠળ હોવાથી આવનારા દિવસોમાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. હજાર ઉપરાંત પશુઓના મોત પણ આ તબાહીમાં થયા છે અને તેનો આંકડો પણ વધી શકે છે. સરકારે મૃત પશુઓના વૈજ્ઞાનિક નિકાલ માટે ખાસ ટીમો રવાના કરી છે જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય.

error: Content is protected !!