ભારતીય જનતા પાર્ટી દ્વારા કરમસદ, પોરબંદરથી બે ગુજરાત ગૌરવ યાત્રાઓ

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં મુખ્યત્વે બે યાત્રાઓ, ગુજરાત ગૌરવ યાત્રા (૧) મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તથા ગુજરાત ગૌરવ યાત્રા (૨) સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં નીકળનાર છે. પ્રથમ યાત્રા તા. ૧ ઓક્ટોબરના રોજ ગુજરાતના સપૂત અને લોખંડીપુરૂષ એવા સરદાર પટેલના વતન કરમસદથી અને બીજી યાત્રા તા. ૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીના વતન પોરબંદરથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં નીકળનાર છે. પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, પ્રદેશના આગેવાનો, કેન્દ્રિય મંત્રીઓ, કેન્દ્રના આગેવાન, રાજ્યના મંત્રીઓ, કેન્દ્ર તેમજ પ્રદેશ સંગઠનના પદાધિકારીઓ આ યાત્રાઓના પ્રસ્થાનમાં ઉપસ્થિત રહેશે. તા. ૧ થી ૧૫ ઓક્ટોબર સુધી આ બંને યાત્રાઓ સમગ્ર ગુજરાતના તમામ જીલ્લાઓને આવરી લેશે. કેન્દ્ર તરફથી નીમાયેલ વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ અરૂણ જેટલી સહિત ચારેય સહઇન્ચાર્જશ્રીઓ પણ સમયાંતરે આ યાત્રામાં ઉપસ્થિત રહેશે.

તા. ૦૧ લી ઓક્ટોબરે કરમસદથી પ્રારંભ થતી મધ્ય અને ઉત્તર ગુજરાતની “ગુજરાત ગૌરવ યાત્રા”-૧ નું નેતૃત્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તેમજ તા. ૦૨ જી ઓક્ટોબરે પોરબંદરથી પ્રારંભ થતી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી પસાર થનાર “ગુજરાત ગૌરવ યાત્રા”- ૨ નું નેતૃત્વ પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણી કરશે. માન. મુખ્યમંત્રી એકાંતરે દિવસે વારાફરતી બંને યાત્રામાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રના મંત્રીઓ તેમજ રાષ્ટ્રીય ભાજપા સંગઠનના વિવિધ પદાધિકારીઓ આ યાત્રા દરમ્યાન જોડાશે.

ગુજરાત ગૌરવ યાત્રા રાજ્યના તમામ જીલ્લાઓને આવરી લેશે. બંને યાત્રામાં કુલ મળીને ૪૬૫૭ કિલોમીટરનો પ્રવાસ, ૧૩૮ જાહેરસભાઓ તેમજ ૧૮૫ જેટલી મોટી સ્વાગત સભાઓ યાત્રારૂટમાં આવરી લેવાશે.

ભાજપની યાદી જણાવે છે કેઃ “ગુજરાત ગૌરવ યાત્રા” એ સાડા છ કરોડ ગુજરાતીઓના ગૌરવની યાત્રા છે. એ ગુજરાતની અસ્મિતાની યાત્રા છે. એ ગુજરાત અને ગુજરાતીઓની એકતાની યાત્રા છે. ભાજપાએ ભૂતકાળમાં ઘણીબધી યાત્રાઓના માધ્યમથી પ્રજાનો સંપર્ક કર્યો હતો. લાલકૃષ્ણ અડવાણીજીના નેતૃત્વવાળી રથયાત્રા હોય કે માનનીય નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં “ગૌરવ યાત્રા” હોય કે વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા હોય કે તાજેતરમાં જ આદિવાસી વિસ્તારોમાં નીકળેલ આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા હોય. લોકો સાથે સીધો સંપર્ક, સંવાદ અને સમન્વય માટેનું શ્રેષ્ઠ માધ્યમ એ યાત્રા છે. ભાજપની આ લોકાભિમુખ જવા માટેની પરંપરા છે. યાત્રાનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતની પ્રજાના વચ્ચે જઇને ગુજરાતમાં ભાજપા સરકારે છેલ્લા ૨૨ વર્ષમાં ગુજરાતમાં જે વિકાસના આયામો સર કર્યા છે તેનો પૂરેપૂરો જશ ગુજરાતની ખમીરવંતી પ્રજાને જાય છે. ગુજરાતની પ્રજાએ ભાજપાને ગુજરાતમાં સેવા કરવાનો મોકો આપ્યો છે ત્યારે ભાજપ હંમેશા પ્રજાકીય  સેવાલક્ષી અને પોતાના સુશાસન દ્વારા જવાબદેહી સરકાર છે તેવી પ્રતિતિ હંમેશા વારંવાર લોકો વચ્ચે જઈને કરાવતી આવી છે.  ભાજપાની ચૂંટાયેલી પાંખ સંગઠનના હોદ્દેદારો, ભાજપાના દેવતુલ્ય કાર્યકરો હંમેશા પ્રજાની વચ્ચે રહે છે. રાજ્યના સાડા છ કરોડ  ગુજરાતીઓ અને દેશના સવાસો કરોડ હિન્દુસ્તાનીઓને પોતાનો એક પરીવાર માનતી પાર્ટી છે.

‘ગુજરાતમાં ૧૯૯૫ પહેલાની કોંગ્રેસના રાજમાં પરિસ્થિતિ અને તે પછી ૧૯૯૫ થી ૨૦૧૭ સુધીના ભાજપાના શાસનની પરિસ્થિતિને ગુજરાતની પ્રજાએ જોઇ છે અને અનુભવી છે. કોંગ્રેસના શાસનમાં અંધકાર, કરફ્યુ અને અસલામતીનું વાતાવરણ હતુ તો આજે ભાજપાના શાસનમાં ઉજાસ, કરફ્યુમુક્ત કાયદો-વ્યવસ્થા અને સલામતીનું વાતાવરણ છે. ગુજરાતે દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે. ગુજરાતના દરેક વર્ગ જેમ કે, ખેડૂત, યુવાન, મહિલા, ગરીબ, દલિત, લઘુમતિ બધાનો વિકાસ થયો છે.’

‘જેવી રીતે સ્વરાજની લડાઇમાં ગુજરાતની જોડી શ્રી મહાત્મા ગાંધી અને શ્રી સરદાર પટેલ સમગ્ર દેશ અને દુનિયામાં છવાઇ ગઇ હતી તેવી જ રીતે આજે ગુજરાતની બીજી જોડી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, સુરાજ્યની લડાઇ દેશભરમાં લડી રહ્યા છે. આજે સાડા ત્રણ વર્ષના ભાજપાના કેન્દ્રના શાસનમાં કોંગ્રેસ તેમજ વિરોધીઓ એકપણ ભ્રષ્ટાચારનો આક્ષેપ સુધ્ધાં લગાડી શક્યા નથી. દેશની જનતાને ગેરમાર્ગે દોરવા કોંગ્રેસ બેબુનીયાદ મુદ્દાઓ ઉભા કરીને નિવેદનો કરે છે, ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવાના નિરર્થક પ્રયાસો કરે છે, તરકટો રચે છે તેમજ ષડયંત્રો કરે છે. કોંગ્રેસના આવા કાવાદાવાઓમાં દેશની તેમજ ગુજરાતની પ્રજા હવે ફસાસે નહિં.ગુજરાત અને દેશની પ્રજા આ સત્તા વગર તરફડતી કોંગ્રેસને ઓળખી ગઈ છે.’

Gaurav Yatra 2

ભાજપાના કાર્યકરોમાં ખુબ જ ઉત્સાહનું વાતાવરણ છે. જીલ્લા-તાલુકા સંગઠનો દ્વારા વિવિધતાસભર સ્વાગતની તડામાર તૈયારીઓ
ચાલી રહી છે. આ યાત્રાને લઇને પ્રજામાં પણ એક અનેરા ઉત્સાહનું વાતાવરણ બન્યુ છે. વિવિધ વર્ગો દ્વારા પરંપરાગત વેશભૂષા લોકનૃત્ય થકી સાંસ્કૃતિક રીતે ઉમળકાભેર સ્વાગતની તૈયારીઓ સમગ્ર રાજ્યમાં થઇ રહી છે. પ્રદેશ ભાજપા તરફથી રૂટ-૧ના યાત્રાના ઇન્ચાર્જશ્રી પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયા અને રૂટ-૨ની યાત્રાના ઇન્ચાર્જ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી આઇ. કે. જાડેજા સમગ્ર યાત્રા દરમ્યાન યાત્રામાં સાથે રહેશે.

Related Stories

error: Content is protected !!