ગુજરાત સરકારે નવરાત્રિ અને દિવાળીની રજાઓની તારીખો જાહેર કરી

ગાંધીનગર: નવરાત્રિનો તહેવાર સૌકોને પ્રિય હોય છે. મોટાભાગના વિદ્યાર્થીઓને ગરબા રમવાનું પસંદ હોય છે. ત્યારે ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ નવરાત્રિ દરમિયાન શાળા અને કોલેજોમાં 15 થી 21 ઓક્ટોબર સુધી વેકેશનની જાહેરાત કરી હતી. જે બાદ આજે (મંગળવારે) શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી વેકેશનની તારીખો બદલીને 10 થી 17 ઓક્ટોબર સુધીની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, અગાઉ સરકારે 15 થી 21 ઓક્ટોબર સુધીના વેકેશનની રજા જાહેર કરી હોવાથી 19 ઓક્ટોબરથી યોજાનારી પ્રથમ પરીક્ષા અને વેકેશનની તારીખને લઈને ગૂંચવણ ઉભી થઇ હતી. જોકે એક તરફ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને નવરાત્રિનું વેકેશન મળવા જઈ રહ્યું છે તો બીજી તરફ દિવાળીનું વેકેશન ટુંકાવી દેવામાં આવ્યું છે. જાહેર કરાયેલા શેડ્યુલ પ્રમાણે હવે દિવાળી વેકેશન 5 નવેમ્બરથી 18 નવેમ્બર એટલે કે 14 દિવસનું રહેશે, જે વેકેશન પહેલા 21 દિવસનું મળતું હતું. આ નિર્ણય ગુજરાત બોર્ડ સાથે સંલગ્ન સ્કૂલનો જ લાગુ પડશે, સીબીએસઇની સ્કૂલોને લાગુ પડશે નહીં.

નવરાત્રિએ તમામ ગુજરાતીઓનો પ્રિય તહેવાર  હોય છે. મોડી રાત સુધી લોકો ગરબા રમતા હોય છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને બીજા દિવસે સવારે શાળા કે કોલેજોમાં જવા માટે મુશ્કેલી થતી હોય છે. તો કેટલાક વિદ્યાર્થી નવરાત્રિ દરમિયાન શાળા-કોલેજોમાં રજા પાડતા હોય છે. પરંતુ હવેથી સરકારે નવરાત્રિ વેકેશનની તારીખો જાહેર કરતા ગરબા રમવાના શોખીન એવા વિદ્યાર્થીઓ મન મૂકીને મોડી રાત સુધી ગરબા રમી શકશે.

error: Content is protected !!