હાઇ સિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ફીટ કરાવવાની મુદતમાં રાજ્ય સરકારે એક મહિનાનો વધારો કર્યો

ગાંધીનગર: વાહનોમાં હાઇ સિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ (એચએસઆરપી)ફીટ કરાવવાની મુદતમાં એક મહિનાનો વધારો
કરવામાં આવ્યો છે. હવે રાજ્યના તમામ વાહનચાલકોએ તા.15 મી ફેબ્રુઆરી 2018 સુધીમાં પોતાના વાહનોમાં હાઇ સિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ફીટ કરાવી લેવાની રહેશે. વાહનચાલકો પરેશાન ન થાય, તેમને હાલાકી ન થાય અને લેભાગુ તત્વો નાગરિકોનો ગેરલાભ ન લઇ જાય એવા હેતુથી રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરિય સમીક્ષા પછી આ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ કામગીરીની સમીક્ષા કરી હતી.

વાહનવ્યવહાર વિભાગની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પછી વાહનવ્યવહાર કમિશનરે કહ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં આર.ટી.ઓ. કચેરીઓ તથા ડીલરોના વિશાળ નેટવર્ક દ્વારા હાઇ સિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ફીટ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વાહન ચાલકોમાં પણ જાગૃતિ આવી છે અને એસ.આર.પી. ફીટ કરાવવા માટે ઘસારો થયો છે. આવી સ્થિતિમાં નાગરિકોને હાલાકી ન પડે અને આવી સ્થિતિમાં નાગરિકો લે ભાગુ તત્વોનો ભોગ બનીને આર્થિક નૂકશાન ન કરે એ હેતુથી મુદત એક મહિનો લંબાવીને 15મી ફેબ્રુઆરી 2018 કરવામાં આવી છે. આર.ટી.ઓ.કચેરી ઉપરાંત હાઇ સિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ કરાવવા માટે વાહન ડીલર ખાતે પણ વ્યવસ્થા ઉભી કરવામં આવી છે. રાજ્ય સરકારે નક્કી કરેલો સર્વિસ ચાર્જ- દ્વિ ચક્રીય અને ત્રિ ચક્રીય વાહનો માટે રૂા.89 અને ચાર પૈડાવાળા તથા ભારે વાહનો માટે રૂા.150/- નો વધારાનો સર્વિસ ચાર્જ ભરીને વાહનચાલકો ડીલરો પાસેથી આવી નંબર પ્લેટ ફીટ કરાવી શકે છે. રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક વાહન ડીલરો નાગરિકોની જરૂરિયાતનો ગેરલાભ ઉઠાવીને બેફામ ચાર્જ વસુલી રહ્યા છે.

વાહન વ્યવહાર કમિશનરે આવા ડીલરો અને લેભાગુ તત્વોને ચેતવણી આપતાં કહ્યું છે કે, બેફામ ચાર્જ વસુલતા ડીલરો અને લેભાગુ તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે એટલું જ નહીં તેમની ડીલરશીપ કેન્સલ કરવા સુધીની પણ કાર્યવાહી થઇ શકે છે. આવી પ્રવૃતિ તાત્કાલિક બંધ કરવા તાકીદ કરવામાં આવી છે. વાહનવ્યવહાર કમિશનરે કહ્યું હતું કે, નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ તમામ વાહનોમાં હાઇ સિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ફીટ કરાવવી ફરજિયાત છે. આગામી તા.22 મી જાન્યુઆરીએ નામદાર સુપ્રિમ કોર્ટ સમક્ષ સુનાવણી છે. તા. 22મી જાન્યુઆરીએ નામદાર સર્વોચ્ચ અદાલત જે આદેશ આપશે એ મુજબ રાજ્યમાં કાયદા મુજબ પગલાં લેવાશે. પરંતુ નાગરિકોને ગંભીરતાપૂર્વક આ નિયમનું પાલન કરીને પોતાના વાહનોમાં હાઇ સિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ સત્વરે ફીટ કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે.

error: Content is protected !!