ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસ સુભાષ રેડ્ડીની સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક, જસ્ટિસ કુરેશીની બોમ્બે હાઇકોર્ટમાં બદલી થતા વિરોધ

અમદાવાદ:  ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસ સુભાષ રેડ્ડીની સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક કરવામાં આવી છે. આવતી કાલે (શુક્રવારે) તેઓ સુપ્રીમ કોર્ટનાં જજ તરીકે શપથ લેશે. આ સાથે જ આજે (ગુરુવારે) ચીફ જસ્ટીસનો વિદાય કાર્યક્રમ પણ યોજવામાં આવશે. આ સાથે જ ગુજરાત હાઇકોર્ટનાં ન્યાયમૂર્તિ એ. એ. કુરેશીની બોમ્બે હાઇકોર્ટમાં બદલી કરવામાં આવી છે. જોકે, કુરેશીની બદલી થતી રોકવા માટે ગુજરાત હાઇકોર્ટનાં બાર એસોસિએશનની મીટિંગ મળી હતી. કુરેશીની બદલીના વિરોધમાં આવતી કાલથી બાર એસોસિએશન અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડીનાં નામની ભલામણ કોલેજિયમ દ્વારા સુપ્રીમ કોર્ટનાં જજ માટે કરવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ સહિત રાજ્યનાં ઘણાં બધાં શહેરોમાં રોડ-રસ્તા, ટ્રાફિક અને પાર્કિંગની ઝુંબેશ માટે કડક આદેશો કરનાર ગુજરાત હાઈકોર્ટનાં પૂર્વ જસ્ટિસ અને વર્તમાનમાં પટના હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ એમ. આર શાહનાં નામનું પણ સૂચન સુપ્રીમ કોર્ટનાં જજ માટે કોલેજિયમ દ્વારા  કરવામાં આવ્યું હતું. બીજી બાજુ જસ્ટિસ એમ આર શાહ ઉપરાંત મધ્યપ્રદેશ હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ હેમંત ગુપ્તા અને ત્રિપુરા હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ અજય રસ્તોગીનાં નામની ભલામણ પણ સુપ્રીમ કોર્ટનાં જજ માટે કોલેજિયમ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ કોલેજિયમ દ્વારા કુલ 4 જજોનાં નામની ભલામણ કરવામાં આવી છે. જે પૈકી બે જજોનું ગુજરાત સાથે કનેક્શન છે.

error: Content is protected !!