ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ફટકારી નોટીસ, ગીરના સિંહોના મૃત્યુ અંગે 3 સપ્તાહમાં માગ્યો જવાબ

અમદાવાદ, દેશગુજરાત: છેલ્લા 2 વર્ષમાં ગીરના જંગલોમાં 182 એશિયાઇ સિંહોના મૃત્યુના સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટે આજે  (સોમવાર) કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે.

મુખ્ય ન્યાયમૂર્તિ આર.સુભાષ રેડ્ડી અને ન્યાયમૂર્તિ વી.એમ પંચોલીની ડિવિઝન બેંચે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી 3 અઠવાડિયાના સમયમાં જવાબ માગ્યો છે.

5 માર્ચે ગુજરાત વિધાનસભામાં સરકારના જવાબને લગતા અહેવાલને આધારે કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં વન મંત્રીએ સ્વીકાર્યું હતું કે, 2016 અને 2017માં ગીરમાં કુલ 182 સિંહો મૃત્યુ પામ્યા હતા.

કોર્ટે આ મુદ્દાને હળવાશથી ન લેવા અંગે પણ સરકારને ચેતવણી આપી છે.

5 માર્ચના રોજ વિધાનસભામાં મંત્રી ગણપત  વાસવાના જવાબ મુજબ વિશ્વના એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગુજરાતમાં આવેલા ગીરના જંગલોમાં અને તેની આસપાસના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લાં 2 વર્ષમાં કુલ 184 સિંહ મૃત્યુ પામ્યા છે.

જોકે, માત્ર 32 (7 નર, 17 માદા અને 8 બચ્ચાં) અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા. જ્યારે 152 (32 નર, 57 માદા અને 63 બચ્ચાં) સિંહોના કુદરતી મોત નીપજ્યા હતા.

ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં વસાવાએ આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 184 સિંહો (74 માદા, 71 નર અને 39 બચ્ચાં) મૃત્યુ પામ્યા હતા, જે 2016માં 104 મૃત્યુ (12 અકુદરતી, 92 કુદરતી) પામ્યા હતા, જ્યારે વર્ષ 2017માં 80 (20 અકુદરતી અને 60 કુદરતી) સિંહો મૃત્યુ પામ્યા હતા.

નોંધનીય છે કે, છેલ્લા પાંચ વર્ષમાં સિંહની વસતિ ગણતરી મે 2015માં કરવામાં આવી હતી. જેમાં એશિયાટિક સિંહની વસ્તી અંદાજે 523 (જે 2010માં કરવામાં આવેલી  વસ્તી ગણતરીની સરખામણીએ 27% જેટલી વધુ હતી) હતી.  2010માં વસ્તી 411 હતી અને 2005માં 359 હતી. 2015ની વસ્તી ગણતરી મુજબ, જૂનાગઢ જિલ્લામાં સિંહની વસતિ 268 હતી, ગીર સોમનાથમાં 44, અમરેલી જિલ્લામાં 174 (સૌથી વધુ વધારો) અને ભાવનગર જિલ્લામાં આસપાસના વિસ્તારોમાં 37 સિંહોની સંખ્યા નોંધાઈ હતી. તેમાં  109 નર, 201 માદા અને 213 બચ્ચાં હતા.

error: Content is protected !!