ગુજરાત તો ગુજરાત જ છે – શું આપ યુ.પી.ના અન્ના જાનવરો અંગેના સ્થાનિક ચૂંટણી મુદ્દા વિશે જાણો છો?

અંદર બહાર ગુજરાત

આપણું ગુજરાત વિશિષ્ટ છે. ગુજરાતની અંદર જ રહેવાથી અને અંદરથી જ ગુજરાતને જોવાથી ગુજરાતની વિશેષતાઓ-ઉણપો નજરે નથી ચડતી. ગુજરાતને બહારથી જોવાથી, ગુજરાત સિવાયના અન્ય પ્રાન્તોને જોવાથી ગુજરાતની વિશેષતાઓ અને ઉણપો ધ્યાને આવે છે.

ગુજરાતમાં ગૌવંશ હત્યા બંધીનો કાયદો લાગુ પાડવા માટે જોઇતું સામાજિક ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર મૌજૂદ હોવાના કારણે રાજ્ય સરકારને આ કાયદાના અમલીકરણમાં રાહત વર્તાતી આવી છે. વિશેષ કરીને જૈન સમાજની સખાવતને કારણે પાંજરાપોળો, ગૌશાળાઓનું ધબકતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજ્યમાં મૌજૂદ હોવાના કારણે ગૌવંશ હત્યા બંધીના અમલમાં કેટલી સરળતા રહે છે એ સમજવું હોય તો ગુજરાતને બહારથી જોવું પડશે.

અહીં મૂકેલા વિડિયો (જુઓ લીંક) ઉત્તર પ્રદેશના છે જ્યાં ગૌવંશ હત્યા બંધી લાગુ થયા પછી અન્ના જાનવરો એટલેકે રખડતા પશુઓના ખેતરોમાં ભેલાણના પ્રસંગોએ માઝા મૂકી છે.
અન્ના પશુઓનો ત્રાસ એ ઉત્તર પ્રદેશમાં હાલના અત્યંત મહત્વના ચૂંટણી મુદ્દાઓ પૈકીનો એક મુદ્દો છે.

ઉત્તર પ્રદેશ સરકારના ગૌપ્રેમી મુખ્યમંત્રીએ અસ્થાયી ગૌશાળાઓ-પાંજરાપોળોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાના જિલ્લા પ્રશાસનોને આદેશ આપ્યા છે પરંતુ જીવતી ગાયો રોજેરોજ નિભાવ માંગી લે છે. એ માટે ખર્ચ પણ પુષ્કળ થાય છે.

ગુજરાતની બિનસરકારી અને સમાજના બળે ઉભી થયેલી તથા કાર્યરત પાંજરાપોળો અને ગૌશાળાઓની તુલના કોઇ રીતે ઉત્તર પ્રદેશના સરકારી આદેશથી શરુ થયેલા ઢોરવાડાઓ સાથે થઇ શકે તેમ નથી. ગુજરાતની ગૌશાળાઓ મોટાભાગે મુંબઇના જૈન સંઘોના દાન થકી નભે છે. મુંબઇનો પૈસો છે તો ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં જીવદયાનું કામ થાય છે.પાંજરાપોળો અને ગૌશાળાઓ નભી જાય છે. ઉત્તર પ્રદેશમાં એવો પૈસો નથી. વળી આપણે ત્યાં જૈન અને સ્વામિનારાયણ સંસ્થાઓ, સાધુ-મુનિઓનું પ્રવર્તન છે એવું ઉત્તર પ્રદેશમાં નથી
તેથી ચલણમાં એવા સંસ્કાર પણ નથી કે ખોડા ઢોરના નિભાવ માટે કરોડો રુપિયા ખર્ચવા જોઇએ. સરકાર માટે કાયમી ઢોરવાડાઓ ખોલવા અને તેનો નિભાવ કરવો હાલ તો ઉત્તર પ્રદેશમાં વધારાનું એક કામ થઇ પડયું છે. ગુજરાતમાં જે થઇ શકે તે ઇચ્છનીય હોય તો પણ બીજે બધે કરવાનું ખૂબ અઘરું હોય છે.

(ઉત્તર પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં શું ચાલે છે તેના અભ્યાસ માટે અહીં બીડેલા કેટલાક વિડિયો જોઇને આપ સ્થિતિનો અંદાજ લગાવી શકશો.)

https://www.youtube.com/embed/Fu62Gl5yizI

https://www.youtube.com/embed/jALuuKZ46lA

https://www.youtube.com/embed/7xs71ME52fk

Related Stories

error: Content is protected !!