પ્રધાનમંત્રી જ આરોગ્ય યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે : આયુષમાન ભારતના સી.ઇ.ઓ.

નવી દિલ્હી : આયુષ્યમાન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે એમ નવી દિલ્હીના આયુષમાન ભારતના સી.ઇ.ઓ. ઇન્દુ ભૂષણે કહ્યું હતું.

ભૂષણ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના અમલીકરણ- સમીક્ષા માટે આજે (ગુરુવારે) ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યા હતા. તેઓએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રૂબરૂમાં તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ટેલીફોનીક વાતચીતમાં યોજનાની વિસ્તૃત માહિતી મેળવીને પરામર્શ કર્યો હતો. ત્યારબાદ મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંધ સાથે પરામર્શ કરીને જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનરઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા યોજનાના લાભાર્થીઓની નોંધણી તથા ખાનગી હોસ્પિટલના ડૉક્ટરોને દાવાઓની સમયસર ચૂકવણીની પ્રક્રિયા માટે જરૂરી પરામર્શ કર્યો હતો.

ઇન્દુ ભૂષણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ થકી ગુજરાતે અનેકવિધ નવા નવા ઇનોવેશન હાથ ધર્યા છે. જે અન્ય રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની શ્રેષ્ઠ કામગીરી તથા સુચારુ સમયબધ્ધ અમલીકરણના પરિણામે આ શક્ય બન્યુ છે. તેઓએ ઉમેર્યુ કે આજે દિવસ દરમિયાન વિવિધ ખાનગી હોસ્પિટલોની પણ મુલાકાત લીધી હતી અને તેઓના પ્રશ્નોનું પણ સત્વરે ઉકેલ લવાશે. ખાનગી ડૉક્ટરોને લાભાર્થીઓના સારવારના દાવાઓનું ચૂકવણું પણ ૧૫ દિવસમાં કરવામાં આવશે જેથી કરીને ખાનગી હોસ્પિટલોને પણ તંત્રમાં વધુ વિશ્વાસ સંપાદીત થાય. તેમણે યોજના હેઠળ ગુજરાતે વિકસાવેલ વિવિધ સોફ્ટવેરની પણ પ્રશંસા કરી રાજયની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

આરોગ્ય કમિશનર મતી જયંતી રવિએ રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા યોજનાનું સાથે અમલીકરણ કરીને જે પ્રશ્નો છે તેનું નિરાકરણ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉમેર્યુ કે, સામાજિક,આર્થિક વસ્તી ગણતરી મુજબ પાત્રતા ધરાવતા ૨.૫ કરોડથી વધુ લાભાર્થીઓ છે તેઓને બાયોમેટ્રીક પધ્ધતિઓથી કાર્ડ આપવામાં આવી રહ્યા છે. જે અભિયાન સ્વરૂપે આગામી ૧૫ દિવસમાં પૂર્ણ
કરાશે. રાજ્યભરના ૩૦૦૦થી વધુ ઇ-ગ્રામ સેન્ટરો તથા સસ્તા અનાજની દુકાનો પરથી આ કાર્ડ મેળવી શકાશે. જેથી લાભાર્થીઓ પણ સત્વરે આ કાર્ડ મેળવી લે તે અત્યંત જરૂરી છે. આ યોજના હેઠળ રૂ. ૫ લાખ સુધીની સારવાર રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવી રહી છે ત્યારે લાભાર્થીઓ પણ આનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. તેમણે ઉમેર્યુ કે, આ યોજના હેઠળ ખાનગી હોસ્પિટલોને સમયસર ૧૫ દિવસમાં ચૂકવણું થાય તે માટે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે અને વળતર-દાવાઓનો પણ સત્વરે નિકાલ થાય તે માટે સઘન કામગીરી કરાશે.

error: Content is protected !!