૧૭ સપ્ટેમ્બર, ર૦૧૭ રવિવારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના રાષ્ટ્રાર્પણ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. ૧૭ સપ્ટેમ્બર, ર૦૧૭ રવિવારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના રાષ્ટ્રાર્પણ કરશે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે નર્મદા યોજના માટે સેવેલું સપનું ખરા અર્થમાં સાકાર થશે.

ગુજરાત માટે મહત્વાકાંક્ષી એવી સરદાર સરોવર યોજનાનાં વિચારબીજ છેક ૧૯૪૬માં રોપાયેલાં મૂળતઃ સિંચાઇ અને જળઊર્જા ઉત્પાદન માટેની આ બહુહેતુક યોજનાનો પાયો વર્ષ ૧૯૬૧માં નંખાયો. સમય જતાં સરદાર સાહેબના સપના સમી આ નર્મદા યોજના સરદાર સરોવર યોજના તરીકે જાણીતી થઇ.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સત્તાના સુત્રો સંભાળતાના ગણતરીના દિવસોમાં જ ડેમ ઉપર દરવાજા બેસાડવાની મંજૂરી આપી એટલું જ નહીં, તા.૧૬મી જૂન, ર૦૧૭ના રોજ સુપ્રિમકોર્ટે દરવાજા બંધ કરવાની મંજૂરી આપતાં જ તા. ૧૭મી જૂને મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ દરવાજા બંધ કરવાની મહત્વની કામગીરી હાથ ધરી અને એ સાથે જ આ ઐતિહાસિક એવી ગુજરાતના પ્રાણ સમી નર્મદા યોજનાનું સપનું સાકાર થતું લાગ્યું.

મા નર્મદા રથયાત્રા

આ ઐતિહાસિક ક્ષણને સુવર્ણાક્ષરે અંકિત કરવા ગુજરાત સરકારે નર્મદા યોજનાથી લાભાન્વિત થયેલા અને યોજનામાં સહભાગી થયેલા વિસ્તારોમાં ‘‘મા નર્મદા મહોત્સવ’’ યોજવાનું નક્કી થયું અને આ મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાયા. ર૪ જિલ્લાના અંદાજે ૮૦૦૦ ગામડાં અને સાત મહાનગરપાલિકા વિસ્તારમાં તા. ૬ થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન ‘‘મા નર્મદા રથયાત્રા’’ યોજાઇ રહી છે. આ રથયાત્રાના શરૂઆતના છ દિવસોમાં જ અંદાજે ર૦ લાખ લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા  અને ભક્તિભાવપૂર્વક નર્મદા નીરના વધામણા કર્યાં અને મા નર્મદાના આશીર્વાદ મેળવ્યા. ‘‘મા નર્મદા મહોત્સવ’’ અંતર્ગત રથયાત્રા દરમિયાન ૬૦૦૦ સ્વયંસેવકો, ૩૭૫ સંસ્થાઓ પણ જોડાયા.

યાત્રા દરમિયાન વિવિધ સ્પર્ધાનું આયોજન

આ મહોત્સવમાં સોશિયલ મીડિયામાં પણ પ્રચંડ પ્રતિસાદ મળ્યો. શરૂઆતના સપ્તાહમાં જ ૧૪ હજાર લાઇકસ મળી અને ૬૫ હજાર વિઝીટર્સે વેબસાઇટ ઉપર જોડાઇને આ મહોત્સવમાં ડિઝીટલ ઉપસ્થિતિ નોંધાવી. આ પ્રસંગે રાજ્યભરમાંથી ર૦૦૦ લોકોએ કૃષિ સાહસિક તરીકે નોંધણી કરાવી આ મહોત્સવ પ્રસંગે યોજાયેલી નર્મદા યોજનાના લાભ સંદર્ભે કાવ્ય, નિબંધ લેખન, સૂત્રો લેખન, શોર્ટ ફિલ્મ બનાવવી જેવી અનેકવિધ સ્પર્ધામાં શહેરી વિસ્તારમાં ૩.૫૦ લાખ લોકો અને ગ્રામીણ વિસ્તારના ૧૬.૭૫ લાખ લોકો મળી કુલ ર૦ લાખ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઇ કલા સાધના દ્વારા મા નર્મદાના ગુણગાન ગાયા હતા અને પોતાની કૃતજ્ઞતા વ્યકત કરી હતી.આ યાત્રા દરમિયાન ઉપયોગી સાહિત્યનું વિતરણ અને કૃષિ ક્ષેત્રે વિવિધ નવી ટેકનોલોજીથી તજજ્ઞો દ્વારા ખેડૂતોને માહિતગાર કરાયા હતા. જેનાથી કૃષિ ઉત્પાદકતામાં સાતત્ય સાધી શકાશે એટલું જ નહીં પાણીની બચત સાથે નવી ટેકનોલોજીથી ખેડૂતો પોતાની આવક બમણી કરી શકશે.

૩૧૧ર ગામની ૧૮.૪૫ લાખ હેકટર જમીનને સિંચાઇનો લાભ

આ સરદાર સરોવર નર્મદા યોજનાથી ૧૫ જિલ્લાના ૭૩ તાલુકાના ૩૧૧ર ગામની ૧૮.૪૫ લાખ હેકટર જમીનને સિંચાઇનો લાભ થશે. જયારે ૧૩૧ શહેરી અને રાજ્યના ૫૩ ટકા એટલે કે ૯૬૩૩ ગામડાંની ર.૮૦ કરોડ વસતીને પીવાનું શુદ્ધ પાણી પુરૂં પાડવામાં આવે છે. આ બહુહેતુક યોજના દ્વારા ૧૪૫૦ મે.વો. જળઊર્જા ઉત્પન્ન કરી શકાય છે. યોજનાથી પર્યાવરણને પણ લાભ મળશે. જેમ કે પૂરનિયંત્રણ, વન્યસૃષ્ટિ સંરક્ષણ અને કૃષિ ઉત્પાદકતામાં વૃદ્ધિ જેવા લાભો ઉપરાંત હરિયાળીમાં વધારો, ભૂગર્ભ જળના સ્તરમાં વધારો વગેરે પણ મેળવી શકાશે. આ યોજના પૂર્ણ થતાં ગુજરાતનો વિકાસ નવી ઊંચાઇ હાંસલ કરશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નર્મદા યોજના વિષે સ્વયં કહે છે તેમ ‘‘આ પાણી નથી પારસમણી છે’’ એમની વાત સાચી છે. આ યોજનાના પારસમણીથી ગુજરાત સોના જેવો વિકાસ હાંસલ કરશે.

error: Content is protected !!