ડિજિટલ શિક્ષણઃ મુખ્યમંત્રી મંગળવારે ગુજરાતમાં ‘જ્ઞાનકુંજ પ્રોજેકટ’ નો શુભારંભ કરશે

ગાંધીનગર, દેશગુજરાત: ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે રાજ્ય સરકારે ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે એક નવી પહેલ રૂપે રાજ્યની પ્રાથમિક શાળાઓ માટે ‘જ્ઞાનકુંજ’ ઇ-કલાસ પ્રોજેકટનો મંગળવારે તા.૫મી સપ્ટેમ્બરે સવારે ૧૧-૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરની શાહપુર પ્રાથમિક શાળાથી લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહ ખાસ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, શાળાકક્ષાએ ટેકનોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ ઇ-કલાસનો પ્રારંભ કરાશે. આ અંતર્ગત રાજ્યની ૧૬૦૯ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૭ અને ૮ના ૩૧૭૩ વર્ગખંડોમાં લેપટોપ, પ્રોજેકટર ઇન્ફ્રારેડ કેમેરા, સ્માર્ટ બોર્ડ, સ્પીકર અને વાઇ-ફાઇ રાઉટરની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. ભાર વિનાના ભણતર માટે ૧૦૦ શાળાઓના ધોરણ-૭ અને ૮ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ૧૦,૦૦૦ ટેબલેટ અપાશે. ધોરણ-૫ થી ૮ના તમામ વિષયોનું ઇ-કન્ટેન્ટ અને ઇન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ કન્ટેન્ટની મદદથી શિક્ષણ અપાશે. આ જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસક્રમની સરળ રીતે સમજૂતી પણ અપાશે, તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!