મોદીએ ગુજરાતમાં અજેય ભાજપનો પાયો નાખ્યો: અમિત શાહ

મુંબઈ, દેશગુજરાત:  શનિવારે મુંબઈમાં ‘હમારે નરેન્દ્રભાઈ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

વિમોચન કાર્યક્રમ બાદ અમિત શાહે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધીઓની ઝુંબેશના પડકાર છતાં ગુજરાતમાં અજેય ભાજપનો પાયો નાખ્યો છે. સરકાર બનાવવાનું સરળ છે, પરંતુ પાયાના સ્તરે સંગઠન મજબૂત બનાવવા અને સારા કાર્યકરો તૈયાર કરવાનું મુશ્કેલ હોય છે. મોદીનું જીવન મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. ઘણા લોકોએ તેમની ઇમેજને ખરડવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે તે લોકોનો સામનો કરી સ્વચ્છ ઇમેજ સાથે બહાર આવ્યા હતા. શ્રીરામ મંદિર અથવા કટોકટી જેવો કોઈ મહત્ત્વનો મુદ્દો નહીં હોવા છતાં વર્ષ 1995માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના હાથમાંથી સત્તા ભાજપ પાસે આવી હતી. સંગઠનને મજબૂત બનાવવાને કારણે મળેલો તે પ્રથમ વિજય હતો.

અૉક્ટોબર, 2001માં મુખ્ય પ્રધાનપદે બિરાજ્યા પછી મોદીએ 24 માસમાં બધાં ગામડાંને વીજળી આપવાની ખાતરી આપી હતી, પરંતુ તે કામ 18 માસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. તે સમયના વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરીએ મોદીને કહ્યું હતું કે એન્જિનિયર તરીકે હું માનતો હતો કે તે લક્ષ્ય પાર નહીં કરી શકાય. આમ છતાં મોદીએ મુશ્કેલ કામ કરી બતાવ્યું છે.

મોદીના નેતૃત્વમાં દેશમાં હવે જાતિ, તુષ્ટીકરણ અને વંશવારસાગત રાજકારણનો અંત આવી રહ્યો છે. હવે દેશ કાર્યક્ષમતા અને દેખાવના રાજકારણના રસ્તે આગળ વધી રહ્યો છે. યુપીએની સરકારમાં પ્રત્યેક પ્રધાન પોતાને મનમોહન સિંઘ માનતો હતો. ખરા વડા પ્રધાનને કોઈ મહત્ત્વ અપાતું નહોતું એમ શાહે ઉમેર્યું હતું.

છેલ્લાં ત્રણ વર્ષમાં મોદી સરકાર ઉપર કોઈ કલંક લાગ્યું નથી. જ્યારે યુપીએ સરકાર ઉપર 12,00,000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. અમારી સરકારે ત્રણ વર્ષમાં ચાર લાખ શૌચાલય બાંધીને યુવતીઓને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર આપ્યો છે એમ અમિત શાહે ઉમેર્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ પુસ્તકમાં વડા પ્રધાન મોદીના બાળપણની દુર્લભ તસવીરો છે. તેમણે અમેરિકાની કૉંગ્રેસને સંબોધન કર્યું હતું ત્યારે ત્યાં ઉપસ્થિતોએ 56 વખત ઊભા થઇને તેમનું અભિવાદન કર્યું હતું.

કેન્દ્રના ઊર્જા રાજ્યપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી અને અમિત શાહની જોડી અતુલ્ય છે. સરકાર અને પક્ષ વચ્ચે આટલો સુંદર સમન્વય ક્યારેય જોવા મળ્યો નથી.

error: Content is protected !!