રથયાત્રા પર હીલિયમ એરોસ્ટેટ બલૂન- ડ્રોનથી રખાશે બાજ નજર

અમદાવાદ: ભગવાન જગન્‍નાથજીની આ રથયાત્રાનું પર્વ સમાજના તમામ વર્ગો સાથે મળીને ઉમંગ ઉત્‍સાહથી ઉજવે છે એ અર્થમાં રથયાત્રા એ લોકોત્સવ છે. શહેર – રાજ્યની જનતા આ લોકોત્સવ ખરા હ્રદયથી માણી શકે અને રથયાત્રાનું પર્વ શાંતિપુર્ણ રીતે સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે એમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અમદાવાદ શહેરમાં ફરનારી રથયાત્રાના સમગ્ર રૂટ પર નજર રાખનારા એરોસ્ટેટ હીલિયમ બલૂન – ડ્રોન- સી.સી.ટીવી કેમેરાથી કરાનારા મોનીટરીંગનું આજે (શુક્રવારે) પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. ઈઝરાયલથી મંગાવાયેલા ડ્રોન કેમેરાથી કેટલા વિસ્તાર સુધી નજર રાખી શકાશે, જી.પી.એસ સીસ્ટમથી કઈ રીતે આ ડ્રોન કેમેરા કામ કરશે, તેના દ્રશ્યો ક્યાં રેકોર્ડ થશે, તેનું ફીડબેક મિકેનીઝમ અને તેના પગલે એક્શન, એમ સમગ્રતયા બાબતોનું ઝીણવટભર્યું નિરીક્ષણ તેમણે કર્યું હતું. આ સાથે સાથે પાલડી સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીના કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ખાતે રુબરુ જઈને કેટલા સ્થળ પર, કેટલા કેમેરાથી, કેવી રીતે રથયાત્રાના રુટનું મોનીટરીંગ થશે તે પણ નિહાળ્યું હતું.

મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રથયાત્રા શાંતિપુર્ણ રીતે સંપન્ન કરવા રાજ્યનો ગૃહ વિભાગ સંપુર્ણ સજ્જ છે. અમદાવાદ મહાનગરપાલિકાના ૪૫ સ્થળો પર મુકાયેલા ૯૪ કેમેરાથી કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર દ્વારા મોનીટરીંગ કરાશે. આ સેન્ટરને પોલીસ કમિશ્નર કચેરી અને મુખ્ય મંત્રીના નિવાસ સ્થાને કાર્યરત કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર સાથે પણ જોડવામાં આવ્યું છે જેથી સમગ્ર રથયાત્રા
પર દેખરેખ રાખી શકાશે. સાથે સાથે અમદાવાદ શહેર અને રાજ્યનું પોલીસ તંત્ર સમગ્ર રાજ્યમાં થતી હિલચાલ-પ્રવૃત્તિ પર દેખરખ રાખી રહી છે. કોઈ પણ પ્રકારની ગરબડ કે અશાંતિ સર્જતી ઘટના ના બને તે માટે તંત્ર સતત સતર્ક છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ અગાઉ મંત્રીએ જગન્નાથ મંદિરે જઈ સમગ્ર વ્યવસ્થા નિહાળી હતી સાથે સાથે ખાસ રથયાત્રા માટે અમદાવાદ આવેલી એન.એસ.જી કમાન્ડો ટીમ સાથે ચર્ચા વિચારણા કરી અધ્યતન વ્હીકલ કેવી રીતે કાર્ય કરશે તેની પણ માહિતી મેળવી હતી.

Related Stories

error: Content is protected !!