બુલેટ ટ્રેઈનની ઈજનેરી તાલીમ માટે ગાંધીનગરમાં સ્થપાશે હાઈસ્પીડ રેલ ટ્રેઈનીંગ સેન્ટર

ગાંધીનગર, દેશગુજરાત: જેમજેમ ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આકાર લઇ રહ્યો છે તેમતેમ તેની સાથે સંકળાયેલી અન્ય વ્યવસ્થાઓ અંગેના કાર્ય પણ શરુ થઇ રહ્યા છે. આવા જ એક સહાયક કાર્ય એટલેકે હાઈસ્પીડ ટ્રેન માટેનું ટ્રેઈનીંગ સેન્ટર ગાંધીનગરમાં સ્થાપવાની કામગીરી શરુ થઇ ચૂકી છે.

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન (NHSRC) ના મેનેજીંગ ડિરેક્ટર અચલ ખરેના જણાવ્યા અનુસાર આ ટ્રેઈનીંગ સેન્ટરમાં આધુનિક તાલીમ માટેના અગ્રણી મોડ્યુલ ઉલબ્ધ રહેશે.

આ ટ્રેઈનીંગ સેન્ટર માટેનું ખાતમુહૂર્ત આ વર્ષના સપ્ટેમ્બર માસમાં થશે અને ત્યારબાદ તેના બાંધકામનું કાર્ય તુરંત જ શરુ થઇ જશે. ગાંધીનગરમાં બનનાર આ હાઈસ્પીડ રેલ ટ્રેઈનીંગ સેન્ટર કુલ 4400 મીટરના વિસ્તારમાં ફેલાયેલું હશે અને તે રૂ. 600 કરોડના ખર્ચે ઉભું થશે. અહીં ટ્રેઈનીંગ માટે એક સેમ્પલ ટ્રેક પણ ઉભો કરવામાં આવશે જેમાં મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડનારી બુલેટ ટ્રેનનું ટેસ્ટીંગ ઈલેક્ટ્રોનિક સીસ્ટમ દ્વારા કરી શકાશે.

ભારતની સર્વપ્રથમ બુલેટ ટ્રેન 2023માં શરુ થશે જ્યારે સૂચિત ટ્રેઈનીંગ સેન્ટર 2020 સુધીમાં કાર્યરત થઇ જશે. અહીં 2020 સુધીમાં લગભગ ચાર હજાર રેલ એન્જીનીયરોને ટ્રેઈનીંગ આપવાની યોજના છે જેમાંથી 300 એન્જીનીયરોને જાપાનમાં તાલીમ આપવામાં આવશે.

આ ઉપરાંત હાલના સાબરમતી સ્ટેશન પાસે હાઈસ્પીડ રોલિંગ સ્ટોકનો મેઈન્ટેનન્સ ડીપો પણ સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી છે જેથી ત્યાં રહેલી હાલની સ્થાપિત વ્યવસ્થાને ખસેડવામાં આવી રહી છે.

બુલેટ ટ્રેઈનના રૂટના સમગ્ર વિસ્તારનો બે તૃત્યાંશ ભાગ ગુજરાતમાં અને બાકીનો એક તૃત્યાંશ ભાગ મહારાષ્ટ્રમાં આવે છે. આ મહત્વકાંક્ષી યોજનાનું સિવિલ વર્ક NHRSC, જાપાન ઇન્ટરનેશનલ કન્સલ્ટન્ટ્સ ફોર ટ્રાન્સપોર્ટેશન (JIC), નિપોન કોએઈ કંપની અને ઓરીએન્ટલ કન્સલ્ટન્ટ્સ ગ્લોબલ કંપની લિમિટેડ દ્વારા  હાથ ધરવામાં આવનાર છે.

508 કિલોમીટર લાંબા કોરીડોર પાછળ 1,10,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

error: Content is protected !!