ધોરણ-10ની માર્કશીટમાં નામની ભૂલ હોય તો એક મહિનામાં સુધારી શકાશે, 500 રૂપિયા આપવો પડશે ચાર્જ

ગાંધીનગર: બોર્ડની પરીક્ષાની માર્કશીટ આગળના અભ્યાસ માટે જરૂરી હોવાની સાથે નોકરી મેળવતી વખતે પણ રજૂ કરવાની હોય છે. જોકે, પરીક્ષા બાદ આવતી માર્કશીટમાં કોઈ ભૂલ હોય તો તેને સુધારવી જરૂરી છે. માર્કશીટમાં નામમાં કોઈ પણ ભૂલ થાય તો એક મહિનામાં જ સુધારી શકાશે. ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલી ગાઈડલાઇનમાં કહ્યું કે, ધો.10ની માર્કશીટ તેમજ આખા નામમાં ભૂલ હોય તો એક મહિનામાં જ રૂ.500 ભરી નવી માર્કશીટ કઢાવી શકાશે.

માર્કશીટમાં આખું નામ બદલવું હશે તો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરવાની રહેશે. શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઇન ફોર્મની તારીખો જાહેર કરાયા બાદ ફોર્મ ભરતા સમયે રાખવાની કાળજી અંગે પણ માહિતી જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સ્કૂલ અને વિદ્યાર્થીએ નામ, અટક, પિતાનું નામ, જીઆર નંબર, જન્મતારીખ, વાલીની વાર્ષિક આવક, વિદ્યાર્થીઓનો ફોટો વગેરેમાં તકેદારી રાખવી જરૂરી છે. બોર્ડ દ્વારા ધોરણ – 10ના ફોર્મ ભરવા માટે એક મહિનાનો સમય અપાયો છે. ખાસ કરીને સ્પેલિંગમાં ભૂલ ન થાય તેની ખાસ કાળજી વિદ્યાર્થી, શાળા સંચાલકો અને વાલીએ રાખવી જોઈએ. શક્ય હોય તો વિદ્યાર્થીનું આધારકાર્ડ પણ જોડવું જોઇએ. વિદ્યાર્થીએ ફોર્મ ભરાયા બાદ તેની પ્રમાણિત કરેલી નકલ પણ પોતાની પાસે રાખવા બોર્ડે સૂચના આપી છે.

નોંધનીય છે કે, ધોરણ – 10 માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર છે. ધો- 10માં ફોર્મ ભરવા માટે નિયમિત વિદ્યાર્થીઓ પાસેથી 325, 1 વિષયમાં રિપિટર પાસેથી 120, 2 વિષયમાં રિપિટર પાસેથી 170, 3 વિષયમાં રિપિટર પાસેથી 220, 3 કરતાં વધારે વિષયમાં રિપિટર વિદ્યાર્થીઓ પાસેથી 315 અને ખાનગી વિદ્યાર્થીઓ પાસેથી 665 ફોર્મ ફી બોર્ડ તરફથી વસૂલ કરવામાં આવશે.

error: Content is protected !!