સત્તામાં આવીશુ તો યુવાનોને સ્માર્ટ ફોન, બેકારોને ભથ્થુંઃ ગુજરાત કોંગ્રેસ

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસે આગામી ચૂંટણીઓને અનુલક્ષીને આજે ‘નવસર્જન યુવા રોજગાર અધિકાર’ ની સાથે રાજ્યના યુવાનો માટે રોજગાર નિતી જાહેર કરી હતી. રોજગાર નીતિ મંગળવારે ગુજરાત કોંગ્રેસના મુખ્યાલયે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા મોહનસિંહ રાઠવા, એ.આઈ.સી.સી. ના મહામંત્રી અશોક ગેહલોતજી, પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થભાઈ પટેલ, રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, એ.આઈ.સી.સી. મંત્રી રાજીવ સાતવ, જીતુભાઈ પટવારી સહિતના કોંગી નેતાઓએ હાજર રહીને કરી હતી.

સોલંકીએ જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ સત્તામાં આવતાની સાથે રાજ્યના ૫ લાખ ફિક્સ પગારધારકોને પૂરા વેતન સાથે સમાવેશ કરશે સાથોસાથ રાજ્યમાં કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સીંગના ૧૦ લાખ યુવાનોના આર્થિક શોષણને નાબૂદ કરશે.

કોંગ્રેસ પક્ષ સત્તામાં આવતાની સાથે રાજ્યના વિવિધ વિભાગોમાં વર્ષોથી ખાલી જગ્યાની ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરશે. સરકારની તિજોરી દ્વારા વિવિધ ઉદ્યોગ ગૃહો જમીન નાણાંકીય લાભો, વેરામાં છૂટછાટ સહિત મેળવેલ લાભોની સામે વર્ગ ૩ – ૪ ની વિવિધ નોકરીઓ સ્થાનિક લોકોને આપવા માટે નિતી જાહેર કરાશે અને તેના અમલ માટે અસરકારક માળખું ગોઠવાશે. રાજ્યના યુવાનોને સ્માર્ટ ફોન અપાશે.

કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે તુરતજ જ્યાં સુધી ગુજરાતના બેરોજગાર યુવાનોને રોજગારી ન મળે ત્યાં સુધી શૈક્ષણિક લાયકાત આધારે બેરોજગાર ભથ્થુ આપવામાં આવશે. જેમકે ધો-૧૨ સુધીના યુવાનોને રૂા. ૩૦૦૦, સ્નાતક હોય તેમને રૂા. ૩૫૦૦ અને અનુસ્નાતક હોય તેમને રૂા. ૪૦૦૦ નોકરી ન મળે ત્યાં સુધી બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે.

આ માટે સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લા, ૮ મહાનગરો, ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાં ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ નોંધણી માટેનો કાર્યક્રમ તા. ૧૪ સપ્ટેમ્બર, થી ૨૩ સપ્ટેમ્બર સુધી ચાલશે. ત્યારબાદ ઓનલાઈન નોંધણી કાર્યક્રમ ચાલુ રહેશે.

રજીસ્ટ્રેશન માટેના વિકલ્પો :

ટોલ ફ્રી નંબર : 18002003170
વેબસાઈટ : www.Gujaratcongress.in/yuvarojgaradhikar

આ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ સમિતિઓના કાર્યાલય અને કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત ખાતે ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે ‘ફોર્મ’ પણ ઉપલબ્ધ રહેશે. તમામ વિધાનસભા ક્ષેત્રમાં આઈ.ટી. સેલના પદાધિકારીઓ લેપટોપ સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે હાજર રહેશે.

error: Content is protected !!