સરકારી ઓફિસમાં રક્ષાબંધનની ફરજિયાત ઉજવણીનો આદેશ પાછો ખેંચાયો

નવી દિલ્હી: ભાઇ-બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન 7 ઓગસ્ટે છે ત્યારે દીવ અને દમણ પ્રશાસને મંત્રાલય સહિત સરકારી ઓફિસોમાં ફરજિયાત રક્ષાબંધનની ઉજવણી કરવાનો પહેલી ઓગસ્ટે આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, રક્ષાબંધનની રજાના દિવસે ઓફિસમાં ફરજિયાત હાજર રહી મહિલા કર્મચારીઓને ફરજીયાતપણે પુરુષ કર્મચારીઓને રાખડી બાંધવાની સૂચના આપવામાં આવતા આ આદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિવાદાસ્પદ આદેશની ટીકા થતાં પ્રશાસનને આદેશને પરત ખેંચવાની ફરજ પડી છે.

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં દીવ-દમણના ઉપસચિવ ગુરપ્રીત સિંહે કહ્યું કે, ઓફિસોમાં અને કામકાજના સ્થળોએ મહિલા કર્મચારીઓની છેડતી તેમ જ લૈંગિક શોષણ રોકવાના હેતુથી પ્રશાસને આ આદેશ કર્યો હતો.  આદેશ અંગે સોશિયલ મીડિયા તેમજ કર્મચારી વર્ગમાં ચર્ચાનો સિલસિલો શરુ થઇ ગયો હતો. ઉપરાંત આ આદેશની ટીકા પણ જોર પકડી હતી. ખાસ તો રજાના દિવસે ઓફિસમાં ફરજિયાત હાજરી અને સહ કર્મચારીઓને પરાણે રાખડી બાંધવી એ આ તહેવાર અને ભાઇ-બહેનના પવિત્ર સંબંધોના દેખાડા જેવું તેમજ હાસ્યાસ્પદ બની રહેશે, એમ કર્મચારીઓનું માનવું હતું. આ સાથે જ વેધક સવાલ પૂછતાં કહ્યું કે, અમારે કોને રાખડી બાંધવી એ સરકાર કેવી રીતે નક્કી કરી શકે? જેને ધ્યાને લઈને માત્ર એક જ દિવસમાં એટલે કે 2 ઓગસ્ટે જ આ વિવાદાસ્પદ આદેશ પરત ખેંચવાની ફરજ પડી હતી.

 

error: Content is protected !!