તરસી ધરતીને તૃપ્ત કરવા માટે આરંભાયેલું ‘સુજલામ્ સુફલામ્’ જળ અભિયાન અંતિમ તબક્કામાં: મુખ્યમંત્રી

ગાંધીનગર:  નવનિર્મિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડીયા ગામે આજે (ગુરુવારે) મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા અને શ્રમદાન કર્યુ હતું. મુખ્યમંત્રી રૂપાણીએ ‘‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮’’ને દેશનું સૌથી મોટું જળ અભિયાન ગણાવી તેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં ઉમેર્યું હતું કે, તરસી ધરતીને તૃપ્ત કરવા માટે આરંભાયેલું આ અભિયાન તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે રાજ્યભરની જનતાની આ અભિયાનમાં થઇ રહેલી સામેલગીરી રાજ્યસરકાર માટે પ્રોત્સાહક પુરવાર થઇ રહી છે.

તળાવની પવિત્ર માટીથી રાજ્યભરનાં લીલાછમ્મ બનશે, એવો આશાવાદ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ આ અભિયાનમાં લોકોએ આપેલા શ્રમદાન અને સમયદાનના ભરપેટ વખાણ કર્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ ‘‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮’’ ને દેશનું સૌથી મોટું જળ અભિયાન ગણાવતાં કહયું હતું કે, પક્ષાપક્ષીથી પર રહીને રાજ્યની સીત્તેર ટકા જનતાના કલ્યાણ માટે ઉપાડેલા આ અભિયાન થકી આવનારી પેઢી લાભાન્વિત થશે, જે આ યોજનાની સૌથી મોટી સફળતા સાબિત થશે.

રાજ્યના નાગરિકોને વગર રોયલ્ટીએ માટી આપવાની આ યોજનાને લોકોમાં સાંપડી રહેલા પ્રતિસાદ બદલ મુખ્યમંત્રી રૂપાણીએ નાગરિકોનો ખરા દિલથી આભાર પ્રગટ કર્યો હતો. અને આ અભિયાનથી થનારા ભવિષ્યના લાભો વર્ણવ્યા હતા. રાજ્યના અન્ય જળાશયોમાં ચાલી રહેલા જળસંચય અભિયાનની વિગતો મુખ્યમંત્રીએ વકતવ્યમાં વણી લીધી હતી.  રૂપાણીએ જણાવ્યું હતું કે આ અભિયાનના પ્રારંભે થયેલી કાર્યવાહીની સાપેક્ષે અત્યારે આ અભિયાન ખૂબ ઝડપથી આગળ વધી રહયું છે, ત્યારે પાણીના પુર્નવપરાશ અંગે રાજ્ય સરકાર ટૂક સમયમાં જ નવી નીતિ ઘડવામાં આવશે,એવો અણસાર પણ મુખ્યમંત્રીએ આપ્યો હતો.

મુખ્યમંત્રી રૂપાણી તથા અન્ય આમંત્રિતોના હસ્તે દિપપ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ કલેકટર જે.આર.ડોડિયાએ સ્વાગત પ્રવચનમાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮ યોજનાની ટૂંકી વિગતો રજૂ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી રૂપાણીનું ગ્રામજનો તથા પુષ્પગુચ્છ, પાઘડી, ભરત ભરેલી કોટી, તલવાર વગેરેથી પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું.

જિલ્લાના પ્રભારી મંત્રી વાસણ આહિરે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮માં જોડાયેલા ખેડૂતો તથા સેવાભાવી સંથાઓએ નાગરિકો પ્રત્યે ધન્યતાની લાગણી રજૂ કરી હતી. મુખ્યમંત્રી રૂપાણી સહિત આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઇએ જળસંચય અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દ્વારકા જિલ્લામાં મે માસ દરમિયાન સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮ અન્વયે થયેલ છે, અને ૪૩પ કામો પ્રગતિમાં છે. ૧૧ નહેરોની સફાઇ કરવામાં આવી છે. ૮૭૨ એર વાલ્વ નિરીક્ષણ અને ૮૭૨ સ્ટ્રકચર સફાઇના કામો કરવામાં આવી રહયા છે.

error: Content is protected !!