પૂર અસરગ્રસ્ત બનાસકાઠાંમાં નુકસાન પામેલા ૫૪૪ રસ્તાઓ પૈકી ૫૩૮ રસ્તાઓ ચાલુ

ગાંધીનગર, દેશગુજરાત: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જુલાઇના અંતમાં આવેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્‍થિતીને કારણે જાનમાલની ખુવારી સાથે વ્યાપક પ્રમાણમાં જમીન ધોવાણ, પાક નુકશાન અને રસ્તાઓનું ધોવાણ થયું હતુ અને કેટલાંય રસ્તાઓ પાણીના પ્રવાહથી તુટી જવાથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. જિલ્લામાં નુક્શાન પામેલા કુલ-૫૪૪ રસ્તાઓ પૈકી ૫૩૮ રસ્તાઓ ચાલુ કરી દેવાયા છે અને ૬ રસ્તાઓનું રીપેરીંગ કામ ચાલુ છે. આ રસ્તાઓ કાર્યરત કરાતા આ વિસ્તારનું તથા આ રસ્તાઓને જોડતા ગામોમાં વાહન વ્યવહાર ધમધમતો થયો છે અને જનજીવન પૂર્વવત થયું છે

બનાસકાંઠા જિલ્લામાં પૂરથી ૫૪૪ જેટલાં રસ્તાઓ નુક્શાન પામ્યા હતા. જેમાં નેશનલ હાઇવે-૨, સ્ટેટ હાઇવે- ૧૧૨ અને  પંચાયતના-૪૩૦ રસ્તાઓ તુટી ગયા હતા. આ રસ્તાઓ ઝડપથી ચાલુ થાય તે માટે તંત્ર ધ્વારા સંખ્યાબંધ ઇજનેરો અને તેમની ટુકડીઓ કામે લગાડી રસ્તાઓ ચાલુ કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. રસ્તાઓ સ્થળને જ નહી માણસોને પણ એકબીજાથી જોડે છે એટલે જ રસ્તાઓ ઝડપથી ચાલુ થાય અને તેને પગલે લોકો અને ગામડા એકબીજાથી જોડાયેલા રહે, અવર-જવર અને કોમ્યુનિકેશન કરી શકાય તે માટે રસ્તા રીપેરીંગના કામને પ્રાથમિકતા આપી યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવતાં જિલ્લામાં નુક્શાન કુલ-૫૪૪ રસ્તાઓ પૈકી ૫૩૮ રસ્તાઓ ચાલુ કરી દેવાયા છે અને ૬ રસ્તાઓનું રીપેરીંગ કામ ચાલુ છે તે પણ ઝડપથી ચાલુ કરી દેવાશે.

જુલાઈ માસના અંતમાં થયેલા અતિ ભારે વરસાદના પગલે આ વિસ્તારમાં ભારે તારાજી થઈ હતી. આ પરિસ્થિતીમાં રાજ્યના  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના બનાસકાંઠા જિલ્લામાં પાંચ દિવસ સુધી રોકાણ કરી બનાસકાંઠા જિલ્લામાં બચાવ- રાહત કાર્યસુને સીધુ માર્ગદર્શન  આપી સમગ્ર વહીવટી તંત્રને વધુ ત્વરિત ગતિશીલ બનાવ્યું હતું, અને તેનું પરિણામ પણ ખુબ સારુ આવ્યું. જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા અને સહાયના ધોધની શરૂઆત થઇ. તંત્ર ધ્વારા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરાતાં જિલ્લામાં ઝડપથી જનજીવન પૂર્વવત થઇ ગયું છે.

જિલ્લા વહીવટીતંત્રના સક્રિય પ્રયાસોને લીધે ભારે વરસાદ અને પૂરની આપત્તિ છતાં બનાસકાંઠા જિલ્‍લામાં ઝડપભેર પૂર્વવત પરિસ્‍થિતીનું નિર્માણ થઇ રહ્યું છે. લોકોને પ્રાથમિક સુવિધા માટે અનિવાર્ય રીતે જરૂરી છે તેવા રસ્‍તાઓ ચાલુ થવાથી લોકો પોતાના સગાવ્હાલા અને બહાર ગામ ખરીદી કરવા વગેરે કામે જઇ શકે છે. તેવી જ રીતે પાણી, વીજળી, આરોગ્‍ય, સફાઇ સહીત તમામ સુવિધાઓ જિલ્‍લામાં પૂર્વવત બનતા લોકોની મુશ્કેલીઓનો અંત આવ્યો છે. તંત્રના અથાક પ્રયાસોને લીધે જિલ્‍લામાં જનજીવન ઝડપથી થાળે પડી રહ્યું છે. જિલ્‍લાના તમામ ગામો અને શહેરી વિસ્‍તારોમાં સો ટકા વીજ પુરવઠો સાતત્યપૂર્ણ રીતે ચાલુ છે.

બનાસકાંઠા જિલ્લામાં રસ્તાઓ ચાલુ થવાથી એસ.ટી. અને વાહન વ્યવહાર સો ટકા ચાલુ થઇ ગયો છે. ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના બનાસકાંઠા ડીવીઝન દ્વારા બસની રોજની ૨,૩૫૩ ટ્રીપો દોડાવવામાં આવે છે. આ તમામ ટ્રીપો સો ટકા કાર્યરત છે. એસ.ટી.ના તમામ રૂટો ચાલુ હોવાના લીધે વિધાર્થીઓને પોતાના ગામથી તાલુકા મથકોએ અને પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, દિયોદર વગેરે જેવા મોટા સેન્ટરોએ શાળા અને કોલેજમાં આવવા માટે સારી સુવિધા મળે છે. આમ રસ્તાઓ, કોમ્યુનિકેશન, વીજળી, પાણી જેવી પાયાની સુવિધાઓ પૂર્વવત થતાં બનાસવાસીઓનું જીવન પુર્વવત બન્યું છે.

error: Content is protected !!