ભારત અને જાપાનના વડાપ્રધાન બુધવારથી બે દિવસ ગુજરાતની મુલાકાતે

અમદાવાદ, દેશગુજરાત: અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેકટના ભૂમિપૂજન માટે બુધવારે તા.૧૩મી સપ્ટેમ્બરથી બે દિવસના પ્રવાસે જાપાનના વડાપ્રધાન શીન્ઝો આબે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની મુલાકાતે પધારી રહ્યા છે. તેઓના આગમન માટે ગુજરાત આતિથ્ય સત્કાર માટે થનગની રહ્યું છે. અમદાવાદ ખાતે બન્ને વડાપ્રધાનના વિવિધ કાર્યક્રમો યોજાશે તે માટે અમદાવાદ શહેરને નવીન દુલ્હનની જેમ રોશનીથી શણગારવામાં આવ્યું છે.

ભારત અને જાપાનના વડાપ્રધાનનું બુધવારે ૧૩ સપ્ટેમ્બરે અમદાવાદમાં બપોરે આગમન થશે. ત્યાંથી તેઓ સીધા સાબરમતી ખાતે આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લેશે. બન્ને મહાનુભાવો આશ્રમમાં થોડો સમય રોકાઇને, તેમના જીવન દર્શનને નિકટતાથી નીહાળશે. એરપોર્ટથી સાબરમતી આશ્રમના માર્ગ પર ઠેરઠેર વિવિધ જગ્યાએ વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ધરોહર સમાન કલાવારસાના દર્શન
કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી મહાનુભાવોનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાશે. ત્યાર બાદ આજ દિવસે સાંજે બન્ને વડાપ્રધાન અમદાવાદનું ઐતિહાસિક નજરાણા સમાન સીદી સૈયદની જાળી કે જેને તાજેતરમાં વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે તેની પણ મુલાકાત લેનાર છે.

તા.૧૪ સપ્ટેમ્બરના રોજ રાજ્યના અત્યંત મહત્વના અને દેશના સૌ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટનું એથ્લેટીક્સ ગ્રાઉન્ડ, સાબરમતી રેલવે સ્ટેડિયમ ખાતે ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ ત્યાંથી બન્ને મહાનુભાવો સીધા મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આવશે અને મહાત્મા મંદિર ખાતે દાંડી કુટિરની મુલાકાત લેશે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન ચારિત્ર્યને લગતી આોડિયો વિઝ્યુઅલ ઝાંખીનું ભવ્ય પ્રદશર્ન છે તેને રસપૂર્વક નિહાળીને ગાંધીજીના જીવન કવનને જાણશે. ત્યાર બાદ દિવસ દરમિયાન જાપાનના ડેલીગેશન સાથે ‘ડેલીગેશન લેવલ ટોક’, બિઝનેસ ઇવેન્ટ સહિતના વિવિધ બિઝનેસને લગતા કાર્યક્રમો યોજાશે. તેમાં પણ બન્ને વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ સાંજે સાયન્સ સીટીની મુલાકાત લઇને એજ દિવસે રાત્રે બન્ને વડાપ્રધાનશ્રીઓ શ્રી એબે ટોકિયો અને મોદી દિલ્હી જવા રવાના થશે.

Related Stories

error: Content is protected !!