જાપાનના વડાપ્રધાન શિન્જો આબેની ગુજરાત મુલાકાત દરમિયાન ભારત-જાપાન વચ્ચે થશે 10 એમઓયુ

અમદાવાદ, દેશગુજરાત: જાપાનના વડાપ્રધાન શિંઝો આબેની 13-14 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુજરાતની મુલાકાત દરમિયાન રૂ. 1.1 લાખ કરોડના મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખાતમુર્હૂત ઉપરાંત, ભારત અને જાપાન 10 એમઓયુ સાથે કરારબદ્ધ થશે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પછી ભારત સાથે દ્વિપક્ષીય વાટાઘાટો માટે ગુજરાતની મુલાકાતે આવનાર આબે બીજા અંતરરાષ્ટ્રીય નેતા છે.

આ મુલાકાત દરમિયાન બંને વડાપ્રધાનો રીમોટ દ્વારા અમદાવાદથી 170 કી.મી. દૂર આવેલા હાંસલપુરમાં રૂ. 3,000 કરોડના સુઝુકી કાર ઉત્પાદન પ્લાન્ટ સહિત કેટલાક પ્રોજેક્ટ્સને લોન્ચ કરશે.

રાજ્ય સરકારના અધિકારીએ કહ્યું હતું કે, ગુજરાતમાં જાપાનનું વર્તમાન રોકાણ 1 અબજ ડોલર જેટલું પહોંચ્યું છે તે સમયે જાપાનના વડાપ્રધાન ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. વર્ષ 2020માં આ મૂડીરોકાણ 3 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે.

13 સપ્ટેમ્બરે બપોરે અમદાવાદ પહોંચ્યા પછી જૂના શહેરના વિસ્તારમાં હેરિટેજ હોટલ પર જતા પહેલા મોદી અને આબે સૌ પ્રથમ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. ત્યાં જાપાનના વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. બંને નેતાઓના સ્વાગત માટે સાબરમતી આશ્રમથી લઇ હોટલ સુધીના માર્ગ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. હોટલમાં મોદી દ્વારા રાત્રી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે તે જ હોટલમાં બંને નેતાઓ ભોજન લેતા પહેલા વાટાઘાટો કરશે, તેમ વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું.

એશિયા-આફ્રિકા ગ્રોથ કોરિડોર (એએજીસી) જે ભારત જાપાન સાથે વિકસાવવા માગે છે, તેની ચર્ચા પણ વાટાઘાટમાં કરવામાં આવે તેવી શક્યતા છે. આ વર્ષની શરૂઆતમાં, ગાંધીનગરમાં યોજાયેલી એક આફ્રિકન ડેવલપમેન્ટ બેન્ક મીટિંગ (એએફડીબી)માં બંને સરકારો દ્વારા એએજીસી (AAGC) અંગેના વિઝન ડોક્યુમેન્ટ્સને રજૂ કરવામાં આવ્યા હતા.

બીજા દિવસે, બંને નેતાઓ અમદાવાદમાં સાબરમતી રેલવે સ્ટેશનની મુલાકાત લઇ મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુર્હુત કરશે.

જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઇસીએ) અને 508 કિલોમીટરના કોરિડોર માટે ભારતના રેલવે મંત્રાલય વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં બે-તૃતીયાંશ ગુજરાતની અંદર આવે તેમ છે.

Related Stories

error: Content is protected !!