‘‘ભારત કે મન કી બાત, મોદી કે સાથ’’ અભિયાનનો શુભારંભ

પ્રદેશ ભાજપા મીડિયા સેલની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં ‘‘ભારત કે મન કી બાત મોદી કે સાથ’’ અભિયાનનો શુભારંભ કરાવી ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતેથી ગુજરાત રાજ્યના તમામ ૨૬ લોકસભા ક્ષેત્રો માટેના ૨૬ રથોનું પ્રસ્થાન કરાવ્યુ હતુ.

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહે નવિનતમ વિચાર સાથે જનજનના મનની વાત જાણી તે મુજબનું સંકલ્પપત્ર તૈયાર કરવાના વિચાર સાથે દેશના યુવાનો, મહિલાઓ, દલીતો, આદિવાસીઓ, કિસાનો, વેપારીઓ જેવા અલગ અલગ વિષયો ઉપર દેશની પ્રજા ભવિષ્યમાં કયા પ્રકારના બદલાવ ઇચ્છે છે તે માટેના સૂચનો મેળવી તેના આધારે સંકલ્પપત્ર બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ માટે રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠકોમાં રથ મોકલવામાં આવશે. જેના દ્વારા જનતાની વચ્ચે જઇ જનતાના સૂચનો મેળવવામાં આવશે. આ માટે એક ટોલ ફ્રી નંબરઃ ૩ ૫ ૭ ૧ ૭ ૧ ૭ ૧ ૭ રાખવામાં આવેલ છે તેમજ www.bharatkemankibaat.com પર લોગીન કરીને તથા અલગ-અલગ સાર્વજનિક સ્થળો પર સૂચનપત્રો માટે દેશમાં ૭૫૦૦૦ થી વધારે સૂચનપેટીઓ રાખવામાં આવશે, રથની સ્ક્રીન ઉપર પાંચ વર્ષમાં થયેલ વિકાસ કાર્યો તથા ભવિષ્યના ભારતની ઝાંખી બતાવવામાં આવશે. જનતા પોતાના સૂચનો વિવિધ માધ્યમો જેવા કે, ટોલ ફ્રી નંબર, સૂચનપત્ર, વોટ્સએપ, વેબસાઇટ, એસએમએસ, વગેરે ડીઝીટલ માધ્યમો દ્વારા મોકલી શકશે. જેના આધારે સૂચનોની તારવણી કરી સંકલ્પપત્ર તૈયાર કરવામાં આવશે. જનતાના સ્વપ્નનું ભારત બનાવવા, ભારતના ભવિષ્ય તથા વિકાસ માટે જનતાની ઇચ્છાનુસાર સંકલ્પપત્ર તૈયાર કરી જાહેર કરવામાં આવશે. આ પ્રમાણે ચૂંટણીના ભાગ રૂપે ગુજરાતની તમામ ૨૬ લોકસભા ક્ષેત્રોમાં રથ પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા.

પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, વર્ષ ૨૦૧૪ પહેલા દેશમાં જ્યારે અરાજકતા, અંધાધુંધી, ભ્રષ્ટાચાર, નેતૃત્વવિહિનતા જેવી પરિસ્થિતિ હતી ત્યારે દેશની જનતાએ ગુજરાતના સપૂત શ્રી નરેન્દ્રભાઇ મોદી પર વિશ્વાસ મુક્યો હતો, જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં ભારતે વિકાસની નવી ઉંચાઇઓ સર કરી છે. ગત તારીખ ૩ ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતેથી રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહના હસ્તે ‘‘ભારત કે મન કી બાત મોદી કે સાથ’’ શરૂ થયેલા અભિયાન મારફત જનતાના સૂચનો મેળવી તેના આધારે આવતા પાંચ વર્ષનો રોડમેપ એટલે કે, સંકલ્પપત્ર તૈયાર કરવામાં આવશે.

શ્રી વાઘાણીએ અંતમાં જણાવ્યુ હતુ કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપાના સંકલ્પપત્ર માટે જનતા પણ પોતાના સૂચનો મોકલી શકે તે હેતુથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘‘ભારતના મનની વાત’’નો કાર્યક્રમ શરૂ કર્યો છે. આગામી પેઢીના સપનાનું નવુ ભારત બનાવવા માટે ભાજપા સરકાર કટિબધ્ધ છે. આ અભિયાન અંતર્ગત લોકસભા બેઠક તથા શક્તિકેન્દ્રોના ઇન્ચાર્જશ્રીઓ રથની સાથે રહેશે. પ્રદેશ દ્વારા જનતાના પાસેથી મળેલા સૂચનોનું સંકલન કરવામાં આવશે ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે તે સૂચનો મોકલી આપવામાં આવશે.
આજના આ રથ પ્રસ્થાન કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ પ્રવક્તા અને ‘‘ભારત કે મન કી બાત મોદી કે સાથ’’ અભિયાનના સંયોજક શ્રી ભરતભાઇ પંડ્યા, પ્રદેશ ભાજપા મીડિયા કન્વીનરશ્રી હર્ષદભાઇ પટેલ તથા અન્ય આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Stories

error: Content is protected !!