ડોકલામ વિસ્તારમાં ગામ ખાલી કરાવાની વાતને ભારતીય સેનાએ નકારી

નવી દિલ્હી , દેશગુજરાત: ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા ડોકલામ વિવાદનાં કારણે બંને દેશની સેના આમને-સામને આવી ગી છે. એક તરફ માહિતી મળી છે કે, ચીને ડોકલામ સીમા પરથી 100 મીટર પીછેહઠ કરવાની તૈયારી દર્શાવી છે. પરંતુ ભારત 250 મીટર પીછેહઠ કરાવવા માટે અડગ છે. જોકે આ સાથે જ એ માહિતી સામે આવી હતી કે, સીમા પર તણાવ વધવાના કારણે ભારતીય સેના દ્વારા સીમા નજીકનાં કેટલાક ગામો ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જોકે, ગુરૂવારે સેનાએ આ વાતને નકારી કાઢી હતી.  બીજી તરફ સરકારી સૂત્રોનાં જણાવ્યા મુજબ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) તરફથી તિબેટમાં મોટી સંખ્યામાં સૈનિકો અને ટેંકો ઉપરાંત શસ્ત્ર સરંજામ ખડકી દેવામાં આવ્યો છે જે ભારતીય સૈનિકો માટે મોટા ખતરા સમાન લાગી રહ્યું છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, ભારતની સીમા તરફ થનારી પીએલએની કોઈ પણ પ્રવૃત્તિ અંગે ભારતીય સેનાને અગાઉ જ જાણ થઇ શકશે. ચીન સરહદ પર હાલ ભારતીય સેનાની સ્થિતિ યુદ્ધ વગરની અશાંતિ સમાન છે. ચીનની દરેક ગતિવિધિ પર બાજ નજર રાખીને બેઠેલી ભારતીય સેનાના સૈનિકો પાસે તોપખાના, રૉકેટ અને અન્ય ભારે ક્ષમતા ધરાવતા હથિયારો પણ છે. આ સાથે જ જરૂર પડ્યે ભારતીય સેના ચીનને ઝડપથી પ્રતિક્રિયા આપવા માટે સજ્જ છે.

ભારત અને ચીનની સરહદ પર હાલ કોઈ મોટી ગતિવિધિ ચાલી રહી નથી તેમજ આસપાસના કોઈપણ ગામને ખાલી કરવાના ભારતીય સેના દ્વારા કોઈ આદેશ અપાયા નથી. ડોકલામના સ્થાનિક નિવાસીઓમાં ખોટો ભય ફેલાવવામાં આવી રહ્યો હોવાનું સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે,  રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટે બંને દેશોની સેનાઓ વચ્ચે બોર્ડર પર્સનલ મીટિંગની સ્થિતિ અંગે પણ હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ડોકલામ વિસ્તારની નજીક સેનાની 2 બ્રિગેડ છે, જે તણાવની સ્થિતિ ઊભી થઈ તે પહેલાથી જ તૈનાત છે. સેનાની કોઈ અસામાન્ય મૂવમેન્ટની જાણકારી પ્રાપ્ત થઇ નથી.

નોંધનીય છે કે, 15મી ઓગસ્ટે નાથૂલા (સિક્કિમ), દૌલત બેગ ઓલ્ડી અને ચુશુલ (લદ્દાખ)  અને બૂમ લા અને કિબિતુ (અરૂણાચલ પ્રદેશ) આ પાંચ સ્થળોએ દર વર્ષે બેઠક યોજાય છે. જોકે, આ બેઠકમાં સરહદ મુદ્દે કોઈ વાતચીત કરવામાં આવતી નથી.  સુત્રોના જણાવ્યાનુસાર, મીટિંગ માટે ચીનને આમંત્રણ આપવું કે નહીં, તે અંગેનો નિર્ણય 15 ઓગસ્ટના બે-ત્રણ દિવસ પહેલા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 1 ઓગસ્ટે ચીનની સેના પીએલએના સ્થાપના દિવસ પર આ બેઠક યોજાઈ નહોતી. આ સાથે જ બંને દેશો વચ્ચે ફ્લેગ મીટિંગની પણ હાલ રાહ જોવાઈ રહી છે.

error: Content is protected !!