ડોકલામમાંથી પીછેહઠ: ભારત ચીનના તદ્દન અલગ નિવેદન

બેઇજીંગ, દેશગુજરાત: ડોકલામમાં 16 જૂનથી ભારતીય અને ચીનના સૈનિક બિન-સંઘર્ષની સ્થિતિમાં સામસામે ખડકાયેલા છે. પરંતુ સોમવારે માહિતી મળી કે, બંને બાજુની સેના પીછેહઠ કરશે. ભારત તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બંને દેશો વચ્ચે ડોકલામમાંથી સેના હટાવવા અંગે કરાર કરવામાં આવ્યો છે. ભારત તરફથી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે નિવેદન પણ જાહેર કર્યું હતું. જોકે, હવે ચીને કહ્યું છે કે, ભારતે ડોકલામમાંથી પોતાની સેનાને હટાવી લીધી છે પરંતુ ચીનની સેના તે વિસ્તારમાં જ રહેશે અને તે વિસ્તારમાં પોતાના સાર્વભૌમત્વને જાળવી રાખશે.

ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીનની સેનાનાનું ‘ડોંગલોંગ’ (ડોકલામ)માં પેટ્રોલિંગ ચાલુ જ રહેશે. ચીનની વિદેશ મંત્રાલયની પ્રવક્તા હુ ચુનયિંગે કહ્યું કે, 28 ઓગસ્ટે બપોરે ભારતે ડોકલામની સીમા પરથી પોતાની સેના અને ઉપકરણો હટાવી લીધા છે. ચીનના સુરક્ષા કર્મીઓએ આ બાબતની પુષ્ટિ કરી છે.

ચુનયિંગે કહ્યું કે, ચીન ઐતિહાસિક કરારના આધારે પોતાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક સંકલન જાળવી રાખશે. ચુનયિંગને પૂછવામાં આવ્યું કે શું બંને તરફથી સેનાને હટાવવામાં આવી છે? ત્યારે ચુનયિંગે ફરી તેના નિવેદનનું પુનરાવર્તન કર્યું હતું.ચીનના વિદેશ મંત્રાલયનું આ નિવેદન ભારત દ્વારા સોમવારે આપવામાં આવેલા નિવેદનથી તદ્દન અલગ છે.

છેલ્લા જૂન મહિનાથી જ ડોકલમમાં ભારત અને ચીન વચ્ચે તકરાર ચાલી રહી છે.

Related Stories

error: Content is protected !!