મોદી અને અાબેની હાજરીમાં અમદાવાદ – મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન સપ્ટેમ્બરમાં થવાની શક્યતા

અમદાવાદ, દેશગુજરાત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન આવનારા સપ્ટેમ્બર મહિનામાં થવાની પૂરી શક્યતા છે. સપ્ટેમ્બર મહિનામાં જાપાનના વડાપ્રધાન શિંઝો આબે ભારતની મુલાકાતે આવવાના છે. તેઓ નવરાત્રિના ગાળામાં ગુજરાતની મુલાકાત લઇ શકે છે અને ગુજરાતમાં જ અમદાવાદ – મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન સંપન્ન કરી શકે છે. જાપાનના વડાપ્રધાન આબે બહુચરાજી નજીક મારુતિના કાર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની પણ મુલાકાત લે તેવી પૂરી શક્યતા છે.

ગત નવેમ્બરમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની યાત્રાએ ગયા હતા અને બંને નેતાઓએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગતિ આપવાની જરૂરિયાત પર એક સંયુક્ત નિવેદનમાં ભાર મુક્યો હતો અને પ્રોજેક્ટનું ભૂમિ પૂજન 2017માં કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો.

એક અધિકારીના જણાવ્યા અનુસાર આ ભૂમિ પૂજનની વિધિ મોટેભાગે ગુજરાતમાં જ થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પણ આવનારા ડિસેમ્બરમાં યોજાઇ રહી છે. આ માટે આદર્શ આચારસંહિતા ઓક્ટોબરમાં જાહેર થાય તેમ છે.

કાર્યાન્વિત થયા બાદ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) 506 કિલોમીટરનું અંતર માત્ર બે કલાકમાં પૂરું કરશે અને તે મહત્તમ 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ પ્રોજેક્ટને વર્ષ 2023ના ડિસેમ્બર મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે અને તેની પાછળ લગભગ રૂ. 97,636 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

error: Content is protected !!