ઇન્દુ સરકાર: મધુર ભંડારકરને સુરક્ષા અપાઇ, કોંગ્રેસી કાર્યકરો સેન્સર બોર્ડ સમક્ષ પહોંચ્યા

મુંબઈ, દેશગુજરાત: મધુર ભંડારકરની અન્ય ફિલ્મોની જેમ ‘ઇન્દુ સરકાર’ ફિલ્મને વાસ્તવિકતાની વધુ નિકટ માનવામાં આવે છે. ફિલ્મ 1970ના દશકમાં ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીના વિષય પર છે અને તેથી કોંગ્રેસના તપકા દ્વારા તેની રીલીઝને લઈને વિરોધ ઉઠી રહ્યો છે. મધુર જ્યાં પત્રકાર પરિષદ ભરવા જાય ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે. વિચાર સ્વાતંત્ર્યતા, ઇન્ટોલરન્સ, અભિવ્યક્તિ સ્વાતંત્ર્યતા માટે ભાજપ અને આરએસએસ પર આક્ષેપો મૂકતા થાકતા નથી તેવા કોંગ્રેસના નેતાઓ મધુર ભંડાકરની અભિવ્યક્તિ સ્વાતંત્ર્યતા સામે ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે.

 અલગ અલગ સ્થાનો પર આ ફિલ્મને લીઇને થતા વિરોધને કારણે મધુર ભંડારકરને સુરક્ષા આપવામાં આવી છે.

બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો મુંબઈમાં ફિલ્મ સેન્સર બોર્ડના કાર્યાલય પર પહોંચ્યા છે. તેઓએ બોર્ડના વડા પહલાજ નિહલાની સાથે મુલાકાત કરી ફિલ્મ અંગે રજૂઆત કરી હતી. કોંગ્રેસી કાર્યકરોનું ફિલ્મ જોયા વગર જ કહેવું છે કે, ફિલ્મમાં ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીની છબીને ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેઓને લઈને આક્રમક ટીપ્પણી કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીના જોડીદાર એવા કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધીયાએ પણ ફિલ્મ જોયા વગર જ કહ્યું કે ફિલ્મમાં હકીકતને અલગ તરીકે દર્શાવવામાં આવી છે જેના પરથી લાગે છે કે આ ફિલ્મ પ્રાયોજિત ફિલ્મ છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે આ ફિલ્મના અનુસંધાનમાં નાગપુરમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પરિષદના સ્થળ પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવતા મધુર ભંડારકર અને તેની ટીમને પત્રકાર પરિષદને રદ્દ કરવાની ફરજ પડી હતી. જે બાદ મધુર ભંડારકરે રાહુલ ગાંધીને ટ્વીટ કરીને કહ્યું હતું કે, શું તમે આને ગુંડાગર્દી નહીં કહો? શું મને અભિવ્યક્તિનો અધિકાર નથી? અગાઉ પૂણેમાં પણ આમ જ બન્યું હતું.

error: Content is protected !!