2003થી 2017ના વાયબ્રન્‍ટના તાયફા પછી પણ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ દર તળીયે પહોંચ્‍યોઃ પરેશ ધાનાણી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આજે (મંગળવારે) પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રાતોરાત નોટબંધી અને જીએસટીના ઉંચા દરના નિર્ણયના કારણે ગુજરાતના મધ્‍યમ અને નાના ઉદ્યોગોને મરણતોલ ફટકો પડ્યો છે. છેલ્લા ૪ વર્ષની સરખામણીએ ૨૦૧૮નું વર્ષ રાજ્યના ઉદ્યોગો માટે સૌથી ગંભીર રહ્યું છે. જાન્‍યુઆરી- ૨૦૧૯માં યોજાનાર વાયબ્રન્‍ટ સમીટમાં (૧) ગ્‍લોબલ કોન્‍કલેવ ઓફ ઈન્‍ટરનેશનલ ચેમ્‍બર, (૨) MSME અધિવેશન અને (૩) ફાર્મ ટુ ફેશન(ફેશન શો)માં રાજય સરકાર સાથે પાર્ટનર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખે સ્વીકાર્યું છે કે, આજે ગુજરાતના ૮૦ ટકા ઉદ્યોગો મંદીની વ્યાપક અસર હેઠળ છે.

રાજયના ઉદ્યોગો મૃતઃપાય અવસ્‍થામાં હોય, ખેડૂતો અછતનો સામનો કરી રહ્યા હોય ત્‍યારે મુખ્‍યમંત્રી અને રાજય સરકારના ઉચ્‍ચ અધિકારીઓએ પ્રજાના પરસેવાના પૈસાએ અન્‍ય રાજયો અને વિદેશના પ્રવાસો કરવાને બદલે નાના અને મધ્‍યમ ઉદ્યોગોને બચાવવા અને અછતનો સામનો કરી રહેલ ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવા જોઈએ તેવી માંગણી વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી હતી.

ધાનાણીએ કહ્યું હતું કે, FIA (ફેડરેશન ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોશીએશન) એ પણ સરકારને પત્ર લખીને કહ્યું છે કે, સરકારની નિષ્‍ક્રિયતાના કારણે રાજયમાં નાના અને મધ્‍યમ ઉદ્યોગોની સ્‍થિતિ કથળી રહી છે અને રાજયમાં નાના અને મધ્‍યમ ઉદ્યોગોની અવગણના થઈ રહી છે. એક ગુજરાતી દેશનું પ્રતિનિધિત્‍વ કરી રહ્યા છે ત્‍યારે રાજયમાં ૪ લાખ નાના અને મધ્‍યમ ઉદ્યોગો અનેક સમસ્‍યાઓનો સામનો કરી રહ્યા છે તે ગુજરાતીઓ માટે શરમજનક બાબત છે, તેના કારણે લાખો લોકોની રોજી રોટી સામે ખતરો ઉભો થયો છે ત્‍યારે રાજય સરકારના  અધિકારીઓ અને મુખ્‍યમંત્રી રાજય બહારના અને વિદેશી ઉદ્યોગોને ગુજરાતમાં લાવવા દોડધામ કરી રહ્યા છે.

માઈક્રો અને નાના એન્‍ટરપ્રાઈઝીસનો વાસ્‍તવિક ગ્રોથ રેટ નવેમ્‍બર-૨૦૧૩માં ૧૩.૦૮ હતો, તે ૨૦૧૩માં ૧૮-૧૯ સુધી પહોંચેલો, નોટબંધી અને જીએસટી પછી ગ્રોથ રેટ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮માં ૫.૮૪ સુધી નીચે પછડાયો છે. ગુજરાતને ટેક્સટાઇલ્સ ઉદ્યોગનું હબ માનવામાં આવે છે, આજે ૫૦ ટકા ટેક્સટાઈલ ઉદ્યોગ બંધ પડયા છે. જેમ્સ અને જવેલરી સેક્ટરમાં સુરત અને સૌરાષ્ટ્રના ઉદ્યોગોને માઠી અસર પહોંચી છે અને વર્ષ ૨૦૧૭-૧૮માં નિકાસમાં જેમ્સ-જ્વેલરીની નિકાસમાં ૪.૩ ટકાનો ઘટાડો થયો છે, જેને કારણે નાણાકીય અછત ભોગવતા સુરત અને સૌરાષ્ટ્રના યુનિટો બંધ થયા છે.

GST અને નોટબંધીના કારણે ગુજરાતના ઉદ્યોગોની સ્થિતી કફોડી બની છે ત્‍યારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાતના ઉદ્યોગોને બેઠા કરવા માટે માંગણી કરતાં કહ્યું હતું કે, વેપારીઓને ઈનપુટ ટેક્સના રિફંડ સમયસર મળતા નથી, જે સમયસર મળવા જોઈએ. GSTમાં રહેલ વિસંગતતાઓ દૂર કરવી જોઈએ. જીઆઈડીસીમાં વપરાશ વગરના પ્‍લોટોમાં વ્‍યાજ અને દંડની વસુલાત બંધ કરવી જોઈએ. નાના અને મધ્‍યમ ઉદ્યોગોને પ્રોત્‍સાહન માટે ફંડની જોગવાઈ કરવી જોઈએ. ગુજરાત રીટેઈલ ટ્રેડ પોલીસી જાહેર કરવી જોઈએ. ચીન અને અન્‍ય  દેશો સાથે થયેલા કરારો રદ કરી સ્‍થાનિક ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવું જોઈએ. ટાટાને નેનો પ્રોજેકટ માટે ૨૦ વર્ષ પછી વસુલવાની શરતે  ૦.૦૧ ટકાના મામુલી વ્‍યાજના દરે અપાયેલ લોન, પાણી, વિજળી, રોડ, રસ્‍તાઓ જેવી અન્‍ય સગવડોની જેમ રાજયના નાના અને મધ્‍યમ ઉદ્યોગોને પણ રાહતો અને સગવડો આપવી જોઈએ.

ધાનાણીએ કહ્યું હતું કે, રાજયમાં કરોડોના ખર્ચે યોજાતા વાયબ્રન્‍ટમાં રોકાણ કરવા મોટા ઉદ્યોગો એમ.ઓ.યુ. કરીને સરકાર પાસેથી કરોડોની લોન, સબસિડી, સસ્‍તી જમીનોનો પડાવીને રાજયના સ્‍થાનિક યુવાનોને રોજગારી આપતા નથી. રાજયમાં લાખો શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. રાજયમાં નાના અને મધ્‍યમ ઉદ્યોગો બંધ થવાના કારણે લાખો યુવાનો આજે બેરોજગાર છે, બીજી  બાજુ રાજયમાં ટાટા મોટર્સ (નેનો), સુઝુકી મોટર્સ, ફોર્ડ ઈન્‍ડિયા, હોન્‍ડા મોટર સાયકલ, નિવ્‍યા ઈન્‍ડિયા, ક્રોમ્‍પ્‍ટન ગ્રીવ્‍સ, કોલગેટ પામોલીવ અને ભારત સરકારના સાહસો જેવા કે એરપોર્ટ ઓથોરીટી, હજીરા પોર્ટ, એનટીપીસી, ગેઈલ ઈન્‍ડિયા, કોટન કોર્પોરેશન, ગેસ ઓથોરીટી, સેન્ટ્રલ વેર હાઉસીંગ વગેરે એકમોમાં સ્‍થાનિક યુવાનોને ૮૦ ટકા રોજગારી આપવાની બાંહેધરીનું પાલન કરાવવામાં રાજય સરકાર નિષ્‍ફળ નિવડી છે.

ધાનાણીએ કહ્યું હતું કે, મુખ્‍યમંત્રીએ રાજય બહાર અને વિદેશમાં અધિકારીઓને સરકારી તિજોરીમાંથી પ્રજાના નાણાના ખર્ચે રોડ શો કરીને ફિલ ઓફ ડુઈંગ બિઝનેશનો ભ્રમ ઉભો કરવાને બદલે નિષ્ફળ વાયબ્રન્‍ટના સરકારી તાયફાઓ બંધ કરીને વાયબ્રન્‍ટ સમીટમાં આયોજનના રાજયના યજમાન/પાર્ટનર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને FIA (ફેડરેશન ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ  એસોશીએશન) એ જે ચિંતા વ્‍યકત કરી છે તે રાજયના નાના અને લઘુ ઉદ્યોગોને બચાવવા પગલાં લેવા જોઈએ અને વાયબ્રન્‍ટના તાયફાઓ બંધ કરવા જોઈએ.

error: Content is protected !!