રાજ્યની ૧૬૦૯ શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેકટનો પ્રારંભ

ગાંધીનગર, દેશગુજરાત: રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધરે અને રાજ્યના વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરનું શિક્ષણ મેળવી દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે પહેલ કરી છે. રાજ્યની ૧૬૦૯ શાળઓમાં ‘જ્ઞાનકુંજ’ પ્રોજેકટ દ્વારા ટેબલેટ અને અદ્યતન ટેકનોલોજી દ્વારા ધોરણ ૫થી ૮ના વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ શિક્ષણ અપાશે. મંગળવારે રાજ્યના ૧૨ જિલ્લાઓની ૫૦૮ સરકારી શાળાઓમાં આ પ્રોજેકટનો શુભારંભ થયો છે.

જ્ઞાનકુંજ મોડલ:

ટેકનોલોજીના વિવિધ સાધનો જેવા કે પ્રોજેકટર, ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, સ્માર્ટબોર્ડ, વાઇ-ફાઇ રાઉટરની મદદથી શીખવા-શીખવવાની પ્રક્રિયા અને વર્ગખંડ ઇન્ટરેક્ટિવિટીમાં અભિવૃદ્ધિ કરવા માટેનો એક સ્કૂલ ડિજિટલાઇઝેશન કાર્યક્રમ છે. જે અંતર્ગત બોર્ડને ઇન્ફ્રારેડ કેમેરાની મદદથી ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડમાં રૂપાંતરિત કરી શીખવા-શીખવવાની પ્રક્રિયા અને મુલ્યાંકનને સુદ્રઢ બનાવવામાં આવે છે. જે અંતર્ગત શાળા કક્ષાએ ટેકનોલોજીની માદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ ઇ-કલાસ, રાજ્યની ૧૬૦૯ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૭ અને ૮ના ૩૧૭૩ વર્ખખંડોમાં પ્રોજેકટર, ઇન્ફ્રારેડ કેમરા, લેપટોપ, સ્પીકર, સ્માર્ટ બોર્ડ, વાઇ-ફાઇ રાઉટરની સુવિધા. ભાર વિનાના ભણતર માટે ૧૦૦ શાળાઓના ધોરણ ૭ અને ૮ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ૧૦,૦૦૦ ટેબલેટ. ધોરણ ૫ થી ૮ના તમામ વિષયોનું ઇ-કન્ટેન્ટ અને ઇન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ કન્ટેન્ટની મદદથી શિક્ષણ. ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસક્રમની સરળ રીતે સમજૂતી પુરી પાડવામાં આવશે.

આ કાર્યક્રમનો મૂળહેતુ શિક્ષક-વિદ્યાર્થીઓને શીખવા શીખવવાની પ્રક્રિયામાં વર્ગખંડ ઇન્ટરેક્ટિવીટિનો વધારો કરવો, ટેકનોલોજીના માધ્યમથી અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકન પ્રક્રિયા સુદ્રઢ કરવી. અભ્યાસક્રમના દરેક વિષયના દરેક એકમની ટેકનોલોજીના માધ્યમથી સરળ રીતે સમજૂતી વર્ગખંડમાં જ આપવી. આ મોડલના વર્ગખંડમાં પ્રોજેકટર, આઇઆર કેમેરા, લેપટોપ, સ્પીકર, વ્હાઇટ બોર્ડ
જેવા આનુષાંગિક સાધનો ઉપલબ્ધ બનાવાયા છે, જેના દ્વારા શિક્ષણ અપાશે. આ ઉપરાંત જ્ઞાનકુંજ મોડલ અંતર્ગત સમાવિષ્ટ શાળાઓ ખાતે શરૂઆતના ત્રણ માસના હેન્ડ હોલ્ડીંગ સમયગાળા દરમિયાન શિક્ષક તાલીમ આપવામાં આવનાર છે. આ મોડલ અંતર્ગત ૧૦૦ શાળઓ ખાતે ધોરણ ૭ અને ૮ના વિદ્યાર્થીઓને ટેબ્લટ પુરા પાડવામાં આવી રહ્યાં છે.

જ્ઞાનકુંજ કાર્યક્રમ અંતર્ગત સમાવિષ્ટ શાળાઓના કુલ ૩૮૦૦થી વધુ શિક્ષકોને પ્રોજેકટની સમજણ મળે અને મહત્વ સમજાય તે હેતુથી ગાંધીનગર ખાતે તબક્કાવાર ત્રણ ઓરિએન્ટેશન કાર્યક્રમ દ્વારા સમગ્ર ઇન્ટરેક્ટિવ વર્ગખંડ વ્યવસ્થાનું જીવંત નિદર્શન કરવામાં આવેલ અને પ્રોજેકટ અંગે તલસ્પર્શી ચર્ચા કરી તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પુરૂ પડાયું છે.

આ પ્રોજેકટ અંતર્ગત અભ્યાસક્રમના તમામ વિષયના દરેક એકમની ટેકનોલોજીના માધ્યમથી સરળ રીતે સમજુતી વર્ગખંડમાં જ આપી શકાય તે માટે શાળા કક્ષાના વિષય શિક્ષકોને (Subject Teacher) તાલીમ આપવામાં આવશે. પ્રથમ ત્રણ માસના હેન્ડ હોલ્ડિંગ સમયગાળા દરમિયાન એજન્સી દ્વારા શાળા દીઠ પૂર્ણ સમયના ટેકનિકલ સર્વિસ પર્સનલ (TSP) નિયુક્ત કરવામાં આવશે જે શિક્ષકોને ઓનસાઇટ જે તે શાળા કક્ષાએ જ તાલીમ અપાશે. નિયત તાલીમ મોડ્યુલ આધારિત ત્રિ સ્તરીય-સઘન તાલીમ આપવામાં આવશે, જેમાં (૧) Basic level (ર) Comfort level અને (૩) Expertise level નો સમાવેશ થાય છે. તાલીમ અંતર્ગત હેન્ડ્સ–ઓન-પ્રેક્ટિકલ તાલીમનો સમાવેશ થશે. શિક્ષકો વિવિધ સાધનો અને ઇ-કન્ટેન્ટના ઉપયોગથી વર્ગખંડ કાર્ય, બાળકોનું મુલ્યાંકન, ઓપનસોર્સ રીસોર્સીસ-ફ્રી કન્ટેન્ટનો ઉપયોગ તેમજ ઇ-કન્ટેન્ટ- ઓડિયો-વિડીયો કન્ટેન્ટ નિર્માણ જેવી બાબતોમાં સક્ષમ બનાવવાનું આયોજન કરાયુ છે.

પ્રથમ ત્રણ માસના હેન્ડ હોલ્ડિંગ સમયગાળા દરમિયાન એજન્સી દ્વારા શાળા દીઠ નિયુક્ત થયેલ પૂર્ણ સમયના ટેકનિકલ સર્વિસ પર્સનલ (TSP) દ્વારા શાળા કક્ષાએ શિક્ષકોને જ્ઞાનકુંજ સાધન-સામગ્રીનો ઇન્ટરેક્ટિવ અધ્યયન-અધ્યાપન વર્ગખંડ પ્રક્રિયા અને પેડોગોજી માટે ઉપયોગ કરવા તેમજ સોફટવેર ઇન્સ્ટોલેશન-ઓપરેટ કરવા માટે સક્ષમ બનાવવા શિક્ષકો ઉપલબ્ધ સોફ્ટવેરની મદદથી તેમના લેશન
પ્લાન બનાવી શકે તે માટે સક્ષમ બનાવવા ઇન્ટરનેટની મદદથી ઓપનસોર્સ રીસોર્સીસ-ફ્રી કન્ટેન્ટ તેમજ ઇ- કન્ટેન્ટ-ઓડિયો- વિડીયો કન્ટેન્ટ નિર્માણ જેવી બાબતોમાં શિક્ષકોને સક્ષમ બનાવાશે. હાર્ડવેરની મૂળભુત સમસ્યા નિવારણ (basis troubel shooting ) કરવા શિક્ષકોને સજ્જ બનાવવાના પ્રયાસો હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધો.પ થી ૮ ના તમામ વિષયોના તમામ એકમોનું ઇ-કન્ટેન્ટ ડિજીટલ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. જેમાં ઇમેજ, વિડીયો, એનીમેશન, વર્ચ્યુઅલ લેબ, ડેમોન્સ્ટ્રેશન પ્રવૃત્તિઓ અને સ્વ-અધ્યયન, મુલ્યાંકન અને સંદર્ભ સાહિત્યનો સમાવેશ થાય છે. આ ઇ-કન્ટેન્ટમાં પરંપરાગત શિક્ષણ પદ્ધતિ મુજબ વાંચન, લેખન અને સમજણયુક્ત જ્ઞાન પર પુરતો ભાર મુકવામાં આવ્યો છે. જ્ઞાનકુંજ અંતર્ગત વર્ગખંડમાં ઉપલબ્ધ ઇન્ટરેક્ટિવ વ્યવસ્થામાં આ ઇ-કન્ટેન્ટથી વધુ અસરકારક પરિણામો પ્રાપ્ત થશે.

error: Content is protected !!