ભારત – જાપાનના વડાપ્રધાનની મુલાકાત સંબંધે સઘન સુરક્ષા વ્યવસ્થા: ૧,૮૦૦ થી વધુ પોલીસ તૈનાત રહેશે

ગાંધીનગર, દેશગુજરાત: ગુજરાતની ભૂમિ ઉપર પ્રથમવાર એક સાથે ભારત અને જાપાનના વડાપ્રધાનના આગમનથી દેશ અને રાજ્યના બિઝનેસ ક્ષેત્રે નવો અધ્યાય ઉમેરાશે અને ગુજરાતનો વધુ સર્વાંગી વિકાસ શક્ય બનશે. ઇન્ડિયા-જાપાન એન્યુઅલ બિઝનેસ સમિટ-૨૦૧૭ને લઇને ગાંધીનગરમાં મહાત્મા મંદિર, રાજભવન અને રોડ એમ ત્રણ ભાગમાં સઘન સુરક્ષા-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તેમ મંગળવારે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મહાત્મા મંદિર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજેલી સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું.

જાડેજાએ કહ્યું હતું કે, સુરક્ષા અને સલામતીના ભાગરૂપે સમગ્ર ગાંધીનગરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. જેમાં ૧ આઇ.જીપી, ૬ એસ.પી., ૨ એ.એસ.પી., ૩૫ ડીવાય.એસ.પી., ૭૦ પી.આઇ, ૧૫૦ પી.એસ.આઇ. સહિત ૧,૮૦૦ થી વધુ અધિકારી/પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. આ બન્ને મહાનુભાવોની સલામતી માટે સ્થાનિક પોલીસ, એસપીજી અને જાપાન સુરક્ષા એજન્સીઓ સુરક્ષાના પ્રોટોકોલ મુજબ સજ્જ છે.

વડાપ્રાધનના આગમનને લઇને મહાત્મા મંદિર, રાજભવન અને એરપોર્ટથી લઇને સમગ્ર રૂટ દરમિયાન સઘન સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. સમગ્ર મહાત્મા મંદિરનું ૩૦૦ જેટલા સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનીટરિંગ કરવામાં આવનાર છે. ૧૦ જેટલા બેગેજ સ્કેનર, ડીએફએમડી અને એચએચએમડીથી ફુલ પ્રુફ ચેકિંગ કરવામાં આવશે. જાડેજાએ મહાત્મા મંદિરમાં મેઇન કન્વેશન હૉલ, વીવીઆઇપી લોન્જ જેવા વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત લઇને ઉચ્ચઅધિકારીઓ સાથે સલામતી અને સુરક્ષા અંગે વિગતે ચર્ચા કરીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા જરૂરી સૂચનો કર્યા હતા.

આ મુલાકાત સમયે જીઆઇડીસીના એમડી ડી.થારા, ઉદ્યોગ કમિશનર મમતા વર્મા, ઇન્ડેક્ષ્ટ-બી ના એમડી રાજકુમાર બેનિવાલ, કલેકટર  સતિષ પટેલ, ગાંધીનગર રેન્જ આઇ.જી. આર.બી.બ્રહ્મભટ્ટ, પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગરમાં ગોઠવાયેલા પોલીસ બંદોબસ્તની વિગતો:

હોદ્દો સંખ્યા હોદ્દો સંખ્યા
આઇ.જી.પી. 1 પી.આઇ. 70
એસ.પી. 6 પી.એસ.આઇ. 150
એ.એસ.પી. 2 પોલીસ 1700
ડીવાય.એસ.પી. 35 ટ્રાફીક પોલીસ 150
એસ.આર.પી. કંપની 6 ચેતક કમાન્ડો ટીમ 2
એન.એસ.જી. ટીમ 2 બી.ડી.ડી.એસ. ટીમ 5
કયુ.આર.ટી. 4

error: Content is protected !!