રાજકોટના એરપોર્ટને જામનગર એરફોર્સે પણ એનઓસી આપી દીધું

રાજકોટ, દેશગુજરાત: રાજકોટ અમદાવાદ હાઈવે પર હીરાસર ગામ પાસે બનનાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે જામનગર એરફોર્સે પણ ક્લીયરન્સ આપી દીધું હોવાનું વર્તુળોમાંથી જાણવા મળે છે. આ બારામાં એવું પણ જાણવા મળે છે કે આગામી તા.11મીએ દિલ્હી ખાતે રાજકોટના એરપોર્ટ બાબતે મહત્વની બેઠક યોજાનાર છે. એ પહેલાં જામનગર એરફોર્સે પણ સંરક્ષણ વિભાગનું ક્લિયરીંગ આપી દેવાયું છે.

હીરાસર ગામ પાસે 250 એકર જેટલી જમીન પર આકાર પામનાર ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે જરૂરી એવા સંરક્ષણ વિભાગના ક્લિયરન્સથી એવો નિર્દેશ મળે છે કે એરફોર્સના ફાયર વિમાનોની પ્રેક્ટીસ દરમિયાન નડે એમ નથી.

અત્રે ઉલ્લેખનીય રહેશે કે જામનગર એરફોર્સના ફાયટર્સ પ્લેન દરરોજ તાલીમ માટે પ્રેકટીસ કરતા હોય છે. આ ઉડ્ડયન દરમિયાન રાજકોટના સુચિત એરપોર્ટ પરથી પસાર થાય ત્યારે અન્ય ફ્લાઈટ અંતરાયરૂપ બનતી નથી ને? તે જાણીને, અભ્યાસ કરીને એરફોર્સ દ્વારા ક્લીયરન્સ આપવામાં આવે છે.

હીરાસર એરપોર્ટ પરથી ઉડ્ડયન ભરનાર ફ્લાઈટ એરફોર્સના કોઈ ફાયટર પ્લેનને અંતરાયરૂપ બનશે નહીં. તેવું જાણવા મળ્યા બાદ એરફોર્સે હીરાસર એરપોર્ટ માટે ‘નો ઓબ્જેક્શન સર્ટિફીકેટ’ આપી દીધું હોવાનું વર્તુળોમાંથી જાણવા મળે છે.

 

error: Content is protected !!