જાપાનનું રોકાણ 3 બિલિયન ડોલરે પહોંચશે: રૂપાણી

ગાંધીનગર: ઈન્ડો-જાપાન એન્યુઅલ સમિટના સમાપન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વાગત પ્રવચનમાં ગુજરાતને દેશના શ્રેષ્ઠ રાજ્ય તરીકે સંબોધીને જણાવ્યું હતું કે, દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 18 ટકા અને નિકાસમાં હિસ્સો 20 ટકા છે એટલું જ નહીં પરંતુ સીધું વિદેશી મૂડીરોકાણ મેળવનારા ટોપ થ્રી સ્ટેટમાં ગુજરાત એક છે. 2003ના વાયબ્રન્ટ સમિટથી અત્યાર સુધીમાં જાપાનની 80 કંપનીઓએ સવા લાખ કરોડનું રોકાણ કર્યું છે જે આગામી સમયમાં 3 બિલિયન ડોલર સુધી પહોંચશે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં આપનું સ્વાગત છે. સાડા છ કરોડ ગુજરાતીઓ વતી વડાપ્રધાન મોદીને પણ તેઓ આવકારે છે. ગુજરાતનો કુલ ઘરગથ્થું ઉત્પાદન (રાજ્યની કુલ આવક)નો વૃધ્ધિ દર 8 ટકા જેટલો છે. ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના રિપોર્ટ મુજબ, વર્ષ 2016-17માં ખાનગી ક્ષેત્રે દેશના વિવિધ રાજ્યોમાં જે મૂડીરોકાણ આવ્યું છે. તેમાં ગુજરાતનો હિસ્સો 22.4 ટકા અર્થાત ભારતના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે. ગિફ્ટ સિટી, સેઝ, એસઆઈઆરની સ્થાપના સાથે ગુજરાત છેલ્લા ઘણાં વર્ષોથી દેશનો ઓટો હબ બની રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2003માં વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરી હતી. તે વખતે જાપાન પ્રથમ સમિટથી અત્યાર સુધીની તમામ સમિટોમાં પાર્ટનર કન્ટ્રી રહ્યું છે. જે ગુજરાત માટે ગૌરવની બાબત છે. તે વખતે જાપાનની માત્ર પાંચ કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કર્યુ હતું. જે અત્યારે 80 કંપનીઓ થઈ ગઈ છે. તેમણે અંદાજે સવા લાખ કરોડનું રોકાણ કરેલું છે. જે આગામી સમયમાં ૩ બિલિયન ડોલર સુધી પહોંચશે.

ગુજરાત અત્યારે ઓટો હબ તરીકે નવી ઉંચાઈઓ પ્રસ્થાપિત કરી ચૂક્યું છે. સાથેસાથે સુઝુકી, હોન્ડા, ટોયોટો જેવી કંપનીઓનો મોટો ફાળો છે. હોન્ડા તો ગુજરાતમાં વિશ્વમાં સૌથી વધુ સ્કૂટર બનાવે છે. જાપાનની નવી 15 કંપનીઓએ ગુરુવારે ગુજરાત સાથે સમજૂતિ કરાર (એમઓયુ) કર્યા છે. એક નવી ઈન્ડસ્ટ્રિયલ ટાઉનશીપની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી છે.

એસએમઈ દ્વારા એક કરોડને રોજગારી: રૂપાણી
મુખ્યમંત્રીના કહેવા મુજબ, દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે, જ્યાં 20 લાખથી વધુ નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમો (SME) છે. જેના દ્વારા રાજ્યના એક કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પડાઈ રહી છે. જાપાન સાથે આ સમજૂતિ કરારથી ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે વધુ મજબૂત થશે.

error: Content is protected !!