ભારત-જાપાનના ઔદ્યોગિક વિકાસને મજબૂત બનાવવા જેટ્રોની ભૂમિકા મહત્વરૂપઃ રૂપાણી

ગાંધીનગર:મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારત-જાપાનના આર્થિક સંબંધોને મહત્વરૂપ ગણાવી ઉમેર્યું હતું કે, દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટને કારણે આજે જાપાનીઝ કંપનીઓ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં વધુ ને વધુ મૂડીરોકાણ કરવા માટે પ્રેરિત થાય તેવા વાતાવરણનું નિર્માણ થયું છે.

મુખ્યમંત્રીશ્રીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ની પૂર્વસંધ્યાએ જેટ્રોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, ભારત જાપાનના ઔદ્યોગિક વિકાસને મજબૂત બનાવવા જેટ્રોની ભૂમિકા મહત્વરૂપ છે. મુખ્યમત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, જેટ્રોના કારણે ગુજરાતમાં ઔદ્યોગિક મૂડીરોકાણ માટે જાપાનીઝ કંપનીઓને એક વિશેષ પ્લેટફોર્મ મળ્યું છે. જેટ્રો અને ગુજરાતના બિઝનેસ ફ્રેન્ડલી અભિગમના કારણે જાપાનીઝ કંપનીઓ વધુ ને વધુ ગુજરાતમાં મૂડીરોકાણ માટે આવી રહી છે ત્યારે ગુજરાત અને જેટ્રો ભાવિ ઔદ્યોગિક વિકાસ માટે સહયોગી પ્રયાસ કરી, ગુજરાત-જાપાનના ઔદ્યોગિક સંબંધોને નવી ઊંચાઈ આપશે.

આ પ્રસંગે જેટ્રોના વાઇસ પ્રેસિડન્ટ શ્રીયુત નાઓયોશી નોગુચી (Mr. NAOYOSHI NOGUCHI) એ જણાવ્યું હતું કે, જેટ્રો દ્વારા ગુજરાતમાં કૌશલ્ય નિર્માણની તાલીમ ક્ષેત્રે ખાસ સહયોગ આપવામાં આવશે. તેમણે કંપનીઓમાં કૌશલ્યવાન માનવબળની જરૂરિયાતોને પુરી પાડવા મેગા જોબ ફેર માટે સહયોગની તૈયારી દર્શાવી હતી.

શ્રીયુત નોગુચીએ જાપાનીઝ કંપનીઓ માટે ગુજરાત મૂડીરોકાણનું  મહત્વરૂપ ક્ષેત્ર હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે રાજસ્થાનના નીમરાણા મોડલની જેમ જ ગુજરાતમાં પણ જાપાનીઝ કંપનીઓ આગળ વધે એ દિશામાં તેવો પ્રયાસ કરશે. મુખ્યમંત્રીશ્રીએ પ્રતિનિધિમંડળના સભ્યોને આવકાર્યા હતા અને સ્મૃતિ ભેટ અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું હતું

error: Content is protected !!