“પૂર્વ ધારાસભ્યશ્રી જયંતિભાઇ ભાનુશાળીની હત્યા સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ “

ગાંધીનગર:રાજ્યના ગૃહ મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી જયંતિભાઇ ભાનુશાળીની હત્યા થઇ છે તે સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. અને ઘટનાને અંજામ આપનાર કસૂરવારો સામે કડકમાં કડક હાથે પગલાં લેવાશે.

ગૃહમંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષે મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ બનાવને મુખ્યમંત્રીશ્રીએ અત્યંત દુઃખદ ગણી દુઃખની લાગણી વ્યક્ત કરીને કસૂરવારો સામે યોગ્ય પગલાં સત્વરે લેવા અને કડક હાથે પગલાં લઇ સજા અપાવવા સૂચનાઓ આપી છે.

મંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું કે, ઘટનાની હકિકતલક્ષી અને સર્વગ્રાહી તપાસ થાય તે માટે રાજ્ય સરકારે સી.આઇ.ડી. ક્રાઇમના પોલીસ મહાનિર્દેશક શ્રી આશિષ ભાટીયાની દેરખેર હેઠળ અને રેલ્વેના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમારના અધ્યક્ષે સાત સભ્યોની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરી તપાસનો દોર યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યો છે. આ માટે એફ.એસ.એલ.ના અધિકારીઓ બેલેસ્ટીક એક્સપર્ટ, ફીંગરપ્રીન્ટ એક્સપર્ટની મદદ લઇને તપાસ આરંભાઇ છે. જરૂરી પરિક્ષણના નમૂનાઓ પણ બનાવના સ્થળેથી મેળવીને પરિક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

શ્રી જાડેજાએ ઉમેર્યું કે, પોલીસ તપાસ મુજબ તારીખ ૭મી જાન્યુઆરી – ૨૦૧૯ના રોજ મોડી રાત્રે ૧૨:૩૦ કલાકની આસપાસ સામખીયાળી રેલ્વેસ્ટેશન નજીક સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનના કોચ નં. એચ/૧ના સીટ નં. ૧૯ પર ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી મુસાફરી કરી રહ્યા હતા. રાત્રિના સમયે અજાણી વ્યક્તિઓએ તેમના પર ફાયરીંગ કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમને રેલ્વે પોલીસે માળીયા મીયાણાના સરકારી દવાખાને લાવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પૂર્વ ધારાસભ્યશ્રીના સ્વજનોની રજૂઆત સંદર્ભે મૃતકનું પોસ્ટમોર્ટમ પેનલ ડૉકટર દ્વારા વિડીયો ગ્રાફી સાથે અને ફોરેન્સીક મેડીકલ ઓફીસર અમદાવાદની ઉપસ્થિતિમાં સિવીલ હોસ્પીટલ અમદાવાદ ખાતે કરાયું છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, પૂર્વ ધારાસભ્યશ્રીના મોતની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનાથી લીધી છે. અને ઝડપથી તપાસનો દોર ન્યાયિક રીતે હાથ ધર્યો છે. ઘટનાની તપાસ દરમ્યાન કોઇપણ વ્યક્તિ કોઇપણ પક્ષનો હશે તો પણ જો તે કસૂરવાર હશે તો તેની સામે કડકમાં કડક હાથે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં ગુજરાત પોલીસ સહેજ પણ કચાશ રાખશે નહિ તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે બનાવની સંવેદનશીલતાને ધ્યાને રાખી રાજ્ય સરકારે ઝડપથી કાર્યવાહી થાય તે માટે સીટની રચના કરી છે. ત્યારે કોંગ્રેસ મગરના આંસુ સારે છે અને હકિકતલક્ષી તપાસ કર્યા વિના જ નિવેદનો આપે છે. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં અનેક રાજકીય હત્યાઓ થઇ છે. તેઓ તેમના બે વડા પ્રધાનશ્રીને પણ બચાવી શક્યા નથી. તેમજ વલ્લભભાઇ પટેલ, વસનજી ઠકરાર, પોપટલાલ સોરઠીયા, ભીમજી વશરામ, ભરત કાંબલીયા અને રઉફવલી ઉલ્લા જેવા અનેક રાજકીય આગેવાનોને પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે કેમ કોઇ નિવેદનો કર્યા ન હતા. અમારી સરકાર દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ દ્વારા ગુનેગારોને નશ્યત કરવામાં માને છે અનેક કસૂરવારોને અમારી સરકારે સજા કરી છે ત્યારે કોંગ્રેસ પોતાનું ઘર સાચવે એ જરૂરી છે.

તેમણે ઉમેર્યું કે, અમારી સરકાર વિકાસની રાજનીતિ કરી રહી છે અને પારદર્શિતાને વરેલી છે. રાજ્યમાં કાયદો -વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે ત્યારે કોંગ્રેસ રાજકીય નિવેદન બાજી કરીને સુલેહ શાંતિ ડહોળવાના પ્રયાસ કરી રહી છે તેને નાગરિકો ખૂબ જ સારી રીતે જાણે છે. કોંગ્રેસ પાસે બોલવાનો કોઇ મુદ્દો રહ્યો નથી ત્યારે આ દુઃખદ ઘટના પર દુઃખ વ્યક્ત કરવાને બદલે નિવેદન બાજી કરીને રાજકીય રોટલા શેકી રહી છે તે અત્યંત દુઃખદ છે.

error: Content is protected !!