અમદાવાદમાં જેટ્રોના બિઝનેસ સપોર્ટ સેન્ટરનું ઉદ્દઘાટન

અમદાવાદ:  અમદાવાદમાં જાપાન એકસટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ‘જેટ્રો’ના બિઝનેસ સપોર્ટ સેન્ટરનું આજે (ગુરુવારે) ઉદઘાટન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ર૦ર૦ સુધીમાં ગુજરાતમાં ૩ બિલીયન યુ.એસ.ડોલર્સના રોકાણો જાપાનીઝ ઊદ્યોગો આવે તેવું વાતાવરણ નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ર૦૦૩થી વાયબ્રન્ટ સમિટની સફળતામાં પાર્ટનર કન્ટ્રી તરીકે સહયોગી રહેલા જાપાનના વધુ ને વધુ ઊદ્યોગકારો-કંપનીઓ ગુજરાતમાં સરળતાએ રોકાણ કરી શકે તે હેતુસર આ ફૂલ ફલેઝડ બિઝનેસ સપોર્ટ સેન્ટર રાઇટ ટાઇમ ફોર રાઇટ ચોઇસ છે.

મુખ્યમંત્રીએ ‘જેટ્રો’ના ચેરમેન શ્રીયુત હીરોયુકી ઇશીગે અને જાપાનના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રીયુત રયોજી નોડા તેમજ ઊદ્યોગ અગ્ર સચિવ મનોજકુમાર દાસ અને જાપાનીઝ ઊદ્યોગ સાહસિકોની ઉપસ્થિતિમાં ભારતના સૌથી મોટા આ ‘જેટ્રો’ બિઝનેસ સપોર્ટ સેન્ટરને ખૂલ્લુ મૂકયુ હતું.

આ પ્રસંગે જાપાનની ૧પ જેટલી કંપનીઓએ ગુજરાત સાથે ‘ઇન્ટરેસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ’ના MoU કર્યા હતા. રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેઇક ઇન ઇન્ડીયા’ ધ્યેયને પાર પાડવા જાપાનીઝ ઊદ્યોગ સાહસો ગુજરાતમાં રોકાણ, ઉત્પાદન કરીને સહભાગી થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, અમદાવાદમાં આ બિઝનેસ સપોર્ટ સેન્ટરના પ્રારંભથી જાપાન-ગુજરાતના વ્યવસાયિક સંબંધોને નવો વળાંક મળ્યો છે અને વધુ સુદ્રઢ થયા છે. આ સફળતા જાપાન-ગુજરાત બેય માટે વિન-વિન સ્થિતી સર્જશે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ ગુજરાત ભારતના વિકાસનું રોલ મોડેલ બન્યુ છે તેની ભૂમિકા જાપાનીઝ ઊદ્યોગકારો સમક્ષ આપતાં જણાવ્યું કે, ભારતના GDPમાં ગુજરાત ૮ ટકા યોગદાન આપે છે અને કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા તેમજ એકસપોર્ટમાં ર૦ ટકા ફાળો ગુજરાતનો રહેલો છે. વિદેશી મૂડીરોકાણો મેળવવામાં ભારતના ટોપ-૩ રાજ્યોમાં ગુજરાત એક છે.

મુખ્યમંત્રીએ જાપાનના ઊદ્યોગકારો માટે ગુજરાતમાં જે વિવિધ સહુલિયત તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં અપાય છે તેની વિશદ છણાવટ કરી હતી. તેમણે કહ્યું કે, જાપાનીઝ ઇકોનોમીક કોરીડોરને ગુજરાતે ફોકસ સેકટર ફોર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ તરીકે સ્વીકાર્યો છે. આ કોરીડોરની અપ અને ડાઉન બેય તરફની સ્ટ્રીમ મૂડીરોકાણ અને રોજગાર સર્જનની વિપૂલ સંભાવનાઓ સાથે જાપાનીઝ કંપનીઓને ઇન્ડયુસીવ એન્વાયરમેન્ટ અને ગુજરાતના નાગરિક જીવનમાં સુખાકારી વૃધ્ધિ કરશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર પ્રોજેકટનો અધિકાંશ હિસ્સો ગુજરાતમાં છે તે તેમજ ૧૬૦૦ કિલોમીટરના સમૂદ્રતટથી જાપાની કંપનીઓને ગુજરાતમાં ઉત્પાદિત પોતાની પ્રોડકટ વિશ્વના કોઇ પણ ભાગમાં સરળતાએ મોકલવાની સુવિધા મળશે તેમ પણ ઉમેર્યુ હતું. રૂપાણીએ ગુજરાત-જાપાન વચ્ચેના આ સહયોગને પ્રોત્સાહન આપવા બેય વચ્ચેના પોલિસી ડાયલોગ ફ્રેમ વર્કને મહત્વપૂર્ણ ગણાવતાં કહ્યું કે ગુજરાતે હાઇબ્રીડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, જાપાન-ઇન્ડીયા ઇન્સ્ટીટયૂટ ફોર મેન્યૂફેકચરીંગની સ્થાપના તેમજ ખોરજ પાસે ૧૭પ૦ એકરમાં ઇન્ડો જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ તથા ઓટો વેલ્યુ ચેઇનના રાજ્યમાં સર્જન માટે અમદાવાદના ભગાપૂરામાં રોકાણ કરવા ઇચ્છુક કંપનીઓને જમીન પણ ફાળવી છે.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં જાપાન સહિત વિદેશી રોકાણકારો માટે સિંગલ વીન્ડો કલીયરન્સ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ સુવિધાઓ અને ફેસેલીટેશન સેન્ટર્સ જેવા નવિન ઉપક્રમો શરૂ કર્યા છે તે ઔદ્યોગિક સફળતાના પાયામાં છે તેમ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ જાપાનીઝ ઊદ્યોગોનું ગુજરાતમાં વિશાળ પાયે આગમન સમાજજીવનને અને યુવાનોને તથા અંતરિયાળ-જરૂરતમંદ વિસ્તારોને આર્થિક-સામાજીક રીતે અવશ્ય લાભદાયી નિવડશે તેવો વિશ્વાસ આ સેન્ટરને સફળતાની શુભેચ્છાઓ પાઠવતાં વ્યકત કર્યો હતો.

મુંબઇ સ્થિત જાપાન કોન્સ્યુલ જનરલ રયોજી નોડાએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાન સાથે મૈત્રી કેળવવાના પ્રયાસોના ભાગ રૂપે આ જેટ્રો બિઝનેશ સેન્ટર કાર્યરત થયું છે તેનાથી જાપાની ઉદ્યોગકારો-કંપનીઓની સહુલિયત વધશે. ગુજરાત આજે શ્રેષ્ઠ રોકાણ ડેસ્ટીનેશન બન્યું છે ત્યારે જાપાનીઝ કંપનીઓએ પણ ગુજરાતમાં રોકાણ વધાર્યુ છે અને તેના પગલે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને સાથે સાથે ભારત-જાપાનના ઉષ્માપુર્ણ સંબંધોને પણ વેગ મળશે એમ તેમણે ઉમેર્યુ હતું.

રાજ્યમાં મેટ્રો અને હાઇસ્પીડ ટ્રેન પ્રોજેકટમાં જાપાની ટેકનોલોજીનો ઉપયોગ થવાનો છે ત્યારે ભારત- જાપાનના સંબંધો પણ એક નવી ઉંચાઇ પ્રસ્થાપિત થશે. ભારતની વસ્તી ઝડપથી વધી રહી છે, ઔદ્યોગિક વિકાસ પણ વધી રહ્યો છે ત્યારે ‘જેટ્રો’ બિઝનેશ સપોર્ટ સેન્ટર સાચા અર્થમાં પરિણામલક્ષી બનશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

જેટ્રોના ચેરમેન અને સીઇઓ શ્રીયુત હિરોયુકી ઇશિગેએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગુજરાત એ દેશનું અગ્રીમ અને વિકસિત રાજ્ય છે સાથે સાથે ઔદ્યોગિક વિકાસ માટે સાનુકુળ વાતાવરણ છે એટલું જ નહીં રાજ્ય સરકારની ઇઝ ઓફ ડુઇંગ પોલિસી પણ વિદેશના ઉદ્યોગોને આવકારવા સમર્થ છે ત્યારે જેટ્રો બિઝનેશ સપોર્ટ સેન્ટર જાપાની ઉદ્યોગો માટે ઉપયોગી માધ્યમ પુરવાર થશે.

ગુજરાત સરકાર પણ જાપાની કંપનીઓને રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે પ્રોત્સાહક-સાનુકુળ વાતાવરણ ઉપલબ્ધ કરાવી રહી છે તેના પગલે ભારત-જાપાનના સંબંધોને નવી ઉંચાઇ મળી છે.

error: Content is protected !!