જિઓ ઉત્તરપ્રદેશમાં વધુ રૂ.10,000 કરોડનું રોકાણ કરશે

લખનૌ : ઉત્તરપ્રદેશ ઇન્વેસ્ટર સમિટ 2018માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ ઉત્તરપ્રદેશને સર્વોત્તમ પ્રદેશ બનાવવાના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ને સાકાર કરવામાં સંપૂર્ણ સહયોગ આપવાની જાહેરાત કરી હતી.  મૂકેશ અંબાણીએ ઉત્તરપ્રદેશના વિકાસ માટે નીચે પ્રમાણે ચાર પ્રતિબધ્ધતાઓ વ્યક્ત કરી હતી.

જિઓ ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધી રૂ. 20,000 કરોડના રોકાણ સાથે સૌથી મોટા રોકાણકારોમાં સ્થાન પામે છે. રિલાયન્સ જિઓ ઉત્તરપ્રદેશમાં હજુ વધુ રૂ.10,000 કરોડનું રોકાણ આગામી ત્રણ વર્ષમાં કરશે, એમ અંબાણીએ તેમનો પ્રતમ પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું.

રિલાયન્સ જિઓએ ઉત્તરપ્રદેશમાં હાલ લગભગ 40,000 કરતાં વધારે પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીના અવસરનું સર્જન કર્યું છે. રિલાયન્સના અન્ય વ્યવસાયો જેમ કે રીટેલ, પોલિયેસ્ટર અને પેટ્રોલિયમની સાથે મળીને જિઓ આગામી વર્ષોમાં એક લાખ કરતાં
વધારે સાતત્યપૂર્ણ રોજગારીનું સર્જન કરશે, એમ બીજું વચન તેમણે આપ્યું હતું.

ત્રીજી મહત્વપૂર્ણ જાહેરાત કરતાં તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશના યુવાનોને સ્માર્ટ યુવાનો બનાવવા માટે બે મહિનામાં બે કરોડથી વધુ જિઓફોન પ્રાથમિકતાના ધોરણે ઉત્તરપ્રદેશમાં ઉપલબ્ધ બનાવવામાં આવશે. દેશનાં અન્ય ઘણાં રાજ્યોમાં જિઓફોન માટે લોકોની
લાંબી પ્રતીક્ષાયાદી છે તેમાંથી ઉત્તર પ્રદેશ માટે આ વિશેષ વ્યવસ્થા કરાશે.

મૂકેશ અંબાણીએ આ ચાર મુખ્ય પ્રતિબદ્ધતાઓ ઉપરાંત વડા પ્રધાન ‘નમામિ ગંગે’ મિશન અંગેનું એક વધુ વચન આપતાં જણાવ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશન પોતાની પવિત્ર ફરજ તરીકે ગંગા સફાઇ અભિયાન સાથે જોડાઇને તેની સફળતામાં સહયોગી બનશે. ઉત્તરપ્રદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એક ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું કેન્દ્ર જિઓ દ્વારા સ્થાપવા અંગેની ચોથી પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.

અંબાણીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું, દરેક ભારતીય માટે સુગમતાથી જીવન જીવવું સુલભ બનાવવાની ખાતરી આપતા – દરેક ભારતીયનું જીવન સુખી અને વધારે સારું બનાવવાના – પ્રધાનમંત્રીના અનોખા વિચારથી અમે પ્રભાવિત થયા છીએ. અમે માનીએ છીએ કે દરેક વ્યવસાયનો અંતિમ ધ્યેય ‘સર્વે ભવન્તુ સુખીનાઃ સર્વે સન્તુ નિરામયા’ છે. તેમણે ઉમેર્યું હતું કે દરેક ખેડૂત, દરેક નાના, મધ્યમ અને મોટા વ્યવસાયો, દરેક દુકાન અને બજાર, દરેક હોસ્પિટલ અને દરેક શાળા, કોલેજ અને યુનિવર્સિટીને લાભ મળે તે માટે અમે નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશનની પરિકલ્પના કરી તેને સાકાર કર્યું છે.

error: Content is protected !!