કોંગ્રેસની ઉશ્કેરણીને કારણે પરપ્રાંતિયો પર થઇ રહેલા હુમલા નીંદનીય : વાઘાણી

ગાંધીનગર:ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં પરપ્રાંતિયો ઉપર થતાં હુમલાઓને વખોડતાં કહ્યું છે કે, કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસ પક્ષની વિકૃત માનસિકતા અને ઉશ્કેરણીને કારણે આવા હુમલાઓ થઇ રહ્યા છે જે ખૂબજ નીંદનીય છે.કોઇપણ દિકરી એ આપણી જ દિકરી સમાન છે અને તેના ઉપર થતી ઘટના એ આપણી જ દિકરી પરની ઘટના છે તેમ સમજવાની જરૂર છે. આવા દુષ્કૃત્યની ઘટનામાં કડકમાં કડક સજા થાય તે જરૂરી છે.

વાઘાણીએ કહ્યું હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હું આભારી છું કે તેમણે આ બાબતે કડક કાયદો બનાવ્યો છે. જેના પરીણામે આવા કિસ્સાઓમાં આરોપીઓને આજીવન અને ફાંસી સુધીની સજાઓ થવા માંડી છે. અપરાધી એ અપરાધી જ હોય છે તેને કોઇ જ્ઞાતિ-જાતિ કે પ્રદેશ હોતો નથી. ગુજરાતની વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકાર આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે અને ગુનેગારોને કડક સજા થાય તેવી ચાર્જશીટ પણ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં બળાત્કારની ઘટનાઓમાં ગુનેગારો નિર્દોષ છુટતા હતા ત્યારે કોંગ્રેસની સરકારોએ તે સમયે કેમ કડક પગલા નથી લીધા? કોંગ્રેસની યુપીએ સરકાર આવો કાયદો કેમ ન લાવી?

વાઘાણીએ વધુમાં કહ્યું હતુ કે, ગુજરાતની જનતાને હું વિશ્વાસ આપુ છું કે આવા નરાધમો સામે સરકાર કડકમાં કડક પગલા લેશે. જ્ઞાતિજાતિના પ્રશ્નો ઉભા કરીને ગુજરાતમાં અશાંતિ ઉભી કરવાનો કોંગ્રેસ જે પ્રયાસો કરી રહી છે ત્યારે ગુનેગારો અને તેને મદદ કરનારાઓ સામે સરકાર દ્વારા કડક પગલા લેવાઇ રહ્યા છે ત્યારે પ્રાંતવાદને નામે તોફાનો કરનારા સામે કોંગ્રેસ કેમ ચુપ છે? કોંગ્રેસ દ્વારા પ્રાંતવાદને ભટકાવીને ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવા પ્રકારની રાજનીતિ ગુજરાતમાં નહી ચાલે. ગુજરાતની પ્રજાએ વિશ્વાસ મુકીને ૬ વાર ગુજરાતમાં ભાજપાની સરકાર બનાવી છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં ૨૬માંથી ૨૬ લોકસભાની સીટો ભાજપાને જીતાડનાર છે. ત્યારે એક પણ કોંગ્રેસના આગેવાનો આ શાંતિ જાળવવા બાબતે એકપણ નિવેદન કર્યુ નથી.

વાઘાણીએ અંતમાં કહ્યું હતુ કે, ગુજરાતીઓ પણ અન્ય રાજ્યોમાં નોકરી – ધંધા માટે જાય છે તેવી જ રીતે અન્ય રાજ્યના લોકો પણ ગુજરાતમાં રોજીરોટી માટે આવતા હોય છે ત્યારે, નાતજાત અને પ્રાંતવાદના નામે હુમલાઓ થઇ રહ્યા છે તેને હું સખત શબ્દોમાં હું વખોડુ છું કોઇ એક વ્યક્તિના ગુનાને કારણે સમગ્ર સમાજને ગુનેગાર ઠેરવવાની વૃત્તિ ચલાવી શકાય તેમ નથી. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, નરેન્દ્ર અને અમિત શાહની ભુમિ છે. ગુજરાતના વિકાસમાં બધાને આવકાર્યા છે. તમામ લોકોનો સિંહ ફાળો છે. શું કોંગ્રેસ ગુજરાતને પાછુ ધકેલવા માંગે છે? કોંગ્રેસે જાતિવાદની રાજનીતિ કરી છે શું હવે પ્રાંતવાદની રાજનીતિ કરવા માંગે છે? ગુનેગારોએ જેલમાં જવાની તૈયારી રાખવી પડશે અને ગુજરાતમાં વસતા અન્ય રાજ્યોના લોકોને હું ખાતરી આપુ છું કે, ગુજરાતમાં આવી અશાંતિ ડહોળનારી પ્રવૃત્તિને સાંખી
લેવામાં આવશે નહી. ગુજરાતની જનતા આવા લોકોને ઓળખી લે તે જરૂરી છે. આવા ષડયંત્રનો ભોગ ન બનવા ગુજરાતની શાંત અને સમજુ જનતાને અપીલ કરુ છું.

error: Content is protected !!